ચાર વર્ષ પૂર્વે સાગવાડી ગામના મહાદેવપુરા ગામે ઘટી હતી રક્તરંજીત ઘટના, બે આરોપીને એક-એક માસ કારાવાસની સજા, ભાવનગર ડિસ્ટ્રીક્ટ એન્ડ સેસન્સ જજનો ચુકાદો

હરીશ પવાર
સિહોર સાગવાડી ગામના મહાદેવપુરા વિસ્તારમાં આજથી ચાર વર્ષ પૂર્વે માતાજીના મઢની લાઇટ કરવાના બાબતે બોલાચાલી કરી શખસોએ આધેડ પર હુમલો કરીને તેની કરપીણ હત્યા કરી નાખતા ગુનો નોંધાવા પામ્યો હતો. જે કેસ આજરોજ ભાવનગર ડિસ્ટ્રીક્ટ એન્ડ સેસન્શ જજશ્રીની અદાલતમાં ચાલી જતા નામદાર કોર્ટે ત્રણ શખસને આજીવન કેદ જ્યારે અન્ય બેને એક-એક માસ કેદની સજા ફરમાવી હતી. બનાવની જાણવા મળતી વિગતો અનુસાર સિહોર નજીકના સાગવાડી ગામે મહાદેવપરા વાડી વિસ્તારમાં રહેતા ઓધાભાઇ ડાયાભાઇ મકવાણાએ જે તે સમયે સિહોર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું હતું કે, ગત તા.૨૪-૪-૨૦૧૬ના રોજ મોડીરાત્રીના ૧ કલાકના અરસા દરમિયાન ભીખા સવજીભાઇ મકવાણા, હિરા સવજીભાઇ મકવાણાએ તેઓના કુળના ચામુંડામાતાના મઢે જમણવારનું આયોજન કરેલ.

જે જમણવાર પુરો થયા બાદ તેના ઘરે આવી કૌટુંબીક કાકા ભીખા મકવાણા, હિરા મકવાણાએ તેઓને તું માતાજીના મઢની લાઇટો કેમ દરરોજ બંધ કરી દે છો ?, મઢ તારા બાપનું છે. તેમ કહી ઝઘડો કરતા તેના પુત્રો આવી જતા જતા રહ્યા બાદ થોડી વાર રહી ભીખા મકવાણા, હિરા મકવાણા, ભરત સવજીભાઇ મકવાણા, હરેશ સવજીભાઇ મકવાણા, કિશોર ઉર્ફે કિશન સામતભાઇ મકવાણા (રે.તમામ મહાદેવપરા, વાડી વિસ્તાર, સાગવાડી તા.સિહોર)એ આવી એકસંપ કરી આવતા તેઓનો દિકરો કિશનભાઇ અને તેઓના નાનાભાઇ ઘનશ્યામભાઇ તેમના પત્નિ સહિતના આવી જતા ઘનશ્યામભાઇ વચ્ચે પડતા ઉક્ત તમામે એકસંપ કરી ધારીયાના ઘા ઝીંકી દેતા ઘનશ્યામભાઇને સારવાર અર્થે સર ટી. હોસ્પિટલ ખસેડાતા ત્યાં તેઓનં મૃત્યુ નિપજવા પામ્યું હતું. જે બનાવ અનુસંધાને સિહોર પોલીસે તમામ સામે આઇપીસી ૩૦૨, ૩૨૩, ૧૪૭, ૫૦૪, ૧૧૪ તેમજ ૧૩૫ મુજબ ગુનો દાખલ કર્યો હતો.

ઉક્ત કેસ આજરોજ ભાવનગરના ડિસ્ટ્રીક્ટ એન્ડ સેસન્સ જજશ્રી સુભદાબેન બક્ષીની અદાલતમાં ચાલી જતા સરકારી વકીલ વિપુલભાઇ દેવમુરારીની દલીલો, ૧૮ મૌખિક પુરાવા, ૪૧ દસ્તાવેજી પુરાવાને ધ્યાન પર લઇ આઇપીસી ૩૦૨ના ગુનામાં ભરત સવજીભાઇ મકવાણા, હરેશ ભીખાભાઇ મકવાણા, કિશોર ઉર્ફે કિશન સામતભાઇ મકવાણાને તકસીરવાન ઠેરવી આજીવન કારાવાસની સજા તેમજ અન્ય બે આરોપી ભીખા સવજીભાઇ મકવાણા અને હિરા સવજીભાઇ મકવાણાને આઇપીસી ૪૪૭, ૧૧૪ મુજબના ગુનામાં એક માસ કેદની સજા ફરમાવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here