વિકાસ થંભ્યો, સફાઇના લાખ્ખો પછી પણ ગૌતમી ગંદવાડથી ભરેલી, ગત ચૂંટણી પૂર્વે રિવરફ્રન્ટની જાહેરાત થઈ પણ માત્ર કાગળ પર રહી
હરીશ પવાર
ચૂંટણીમાં નેતાઓનો વિજયરથ તો પૂરપાટ આગળ વધી રહ્યો છે પરંતુ, ધ્યાન દીધા વગર પણ વિકાસની ગતિમાં ઢીલાશ નજરે પડી રહી છે સિહોર શહેરની ઓળખસમાં અને એક સમયે પવિત્ર જળ જેમાં વહેતું તે ગૌતમી નદી ગંદવાડમાં ઢસડાઈ ગઈ છે આજ સુધીમાં ગૌતમીને સફાઈ માટે લાખ્ખો રૂપિયાના બિલ ઉધારા હશે પરંતુ આજે પણ આ નદીમાં ગંદવાદનો પાર રહ્યો નથી નદીમાં ગટરના અતિ ગંદા પાણીના ખાબોચિયા ભરાયેલા જોવા મળે છે.
૨૦૧૭ની ધારાસભા ચૂંટણી પૂર્વે અહીં રિવરફ્રન્ટ બનાવવાની જાહેરાત કરવામાં આવી હતી પરંતુ આજ સુધી કોઈ પણ જાતની કામગીરી હાથ ધરવામાં આવી નથી ગૌતમીમાં આજે ચારે બાજુ ગંદકીથી ખદબદે છે ગટરના પાણી વહ્યા કરે છે ત્યારે સિહોરની ધરોહર ગૌતમી માંથી ગંદકી દૂર થાય તેવી લોકોમાંથી માંગણી ઉઠી છે સિહોર શહેરમાંથી પસાર થતી ગૌતમી નદી કે જેના પર પ્રવાસીઓ અને નગરજનો માટે પાર્ક કે રિવરફ્રન્ટ બનાવી લોકોને આકર્ષી શકાય તેવું સ્થળ છે.
પરંતુ તંત્રના પાપે આ નદીનો પટ ગંદકીની ખાણ સમાન બની ગયો છે. અને ગામડાની કોઇ નદીના પટ કરતાં પણ સિહોરની નદીમાં ગંદકીનું પ્રમાણ વધારે જોવા મળે છે. અને જો આ બાબતે હજી પણ સિહોર નગરપાલિકા નહીં જાગે તો આ નદી, નદી નહીં પણ ગટર બની જશે. સિહોર જેવું શહેર કે જે ઐતિહાસિક,ઔધોગિક દષ્ટિએ જિલ્લામાં અગ્રેસર છે. નવનાથના બેસણા છે. અને એમાંના બે-ત્રણ નાથ તો ગૌતમી નદીના પટ પર જ આવેલ છે. વરસે સિહોરમાં બેશુમાર માત્રામાં ભાવિક ભકતજનો સિહોરની મુલાકાતે આવે છે.
સુપ્રસિધ્ધ ગૌતમેશ્વર જવાનો માર્ગ પણ ગૌતમીના કિનારે-કિનારેથી પસાર થાય છે. મુકતેશ્વર પણ ગૌતમી નદીના તટ પર આવેલું છે. આમ, સિહોરના ઘણા પવિત્ર સ્થળો ગૌતમી નદીના તટ આવેલા છે. છતાં તંત્રને ગૌતમી નદી પરની ગંદકી દૂર કરવાનું સુઝતું જ નથી. આ બાબતે લોકોએ પણ હવે જાગૃત બની તંત્રના કાન આમળવા જ રહ્યા. નહીંતર આગામી સમયમાં સિહોરની ગૌતમી નદી ફકત ઇતિહાસના પાના પૂરતી જ સીમિત થઇ જશે. આ અંગે સૌએ સાથે મળી સહિયારા પ્રયાસથી ગૌતમી નદીને એક સાફ સુથરી નદી બનાવવી જ રહી.