મૂળ સિહોર રામધરીના ગામના અને CM સિક્યુરિટીમાં ફરજ બજાવતા કમાન્ડોનો આપઘાત, કમાન્ડો છું આમ હારી ન જાવ પરંતુ વિધિની વક્રતા છે પરિવારને સાચવજો, મોંઘવારી અને આર્થિક પરિસ્થિતિનું કરુણ ચિત્ર

દેવરાજ બુધેલીયા
વધતી જતી મોંઘવારી અને પરિવારની જવાબદારીમાં બે છેડા ભેગા કરવામાં મધ્યમવર્ગને મુશ્કેલી પડી રહી છે હિંમતવાન વ્યકિત પણ આ સ્થિતી સામે લાચાર બની અંતિમ પગલું લઇ લેતા હોય છે અને આવા બનાવો વધી રહ્યા છે આવી જ એક ઘટનામાં સિહોરનાં રામધરીનાં વતની એવા કમાન્ડોએ ‘હત્પં કમાન્ડો છું, આ રીતે હારી જાવ તેઓ નથી, પરંતુ….’ ચીઠ્ઠી લખી પોતાની છાતીમાં ગોળી ધરબી આપઘાત કરી લેતા અરેરાટી પ્રસરી ગઇ છે.ગાંધીનગર સલામતી શાખામાં ફરજ બજાવતા અને હાલ સીએમ સિક્યુરીટીના કમાન્ડોએ ગઈકાલે ગુરૂવારે બપોરે સેક્ટર-૩૦ પાસેના સરકારી અવાવરૂ ક્વાટરવાળી જગ્યામાં જઇને પોતાની જાતે જ ગોળી ધરબીને આપઘાત કરી લેતા ચકચાર મચી ગઇ છે. મૃતક પાસેથી એક સ્યુસાઇટ નોટ પણ મળી આવી છે.

જેમાં તેમણે આર્થિક સંકડામણથી આપઘાત કર્યો હોવાનો ઉલ્લેખ કર્યો છે. સુત્રોના જણાવ્યા પ્રમાણે તેઓ ઘણા સમયથી મુખ્યમંત્રીના પત્ની અંજલીબેન રૂપાણીના કમાન્ડો તરીકે ફરજ બજાવતા હતા. મૃતકનું નામ સાતાભાઇ તેજાભાઇ ચૌહાણ હતું. તેઓની ઉંમર ૫૩ વર્ષની હતી. સાતાભાઇ ચૌહાણ મુળ સિહોર નજીકના રામધરી ગામના વતની હતા. તેઓ છેલ્લા ઘણા સમયથી સલામતી શાખામાં ફરજ બજાવતા હતા. હાલ તેઓ સીએમ સિક્યુરીટીમાં કમાન્ડો હતા. ગઈકાલે બપોરે તેમનો મૃતદેહ અક્ષરધામ પાસે જ રોડ પર સેક્ટર-૩૦ના સરકારી અવાવરૂ ક્વાર્ટર પાસેથી મળ્યો હતો. નજીકમાં એક પિસ્તલ પણ મળી આવી હતી.

આ પિસ્તલથી છોડેલી ગોળીથી જ તેઓનું મોત નિપજ્યુ હતું. પ્રાથમિક તપાસમાં સાતાભાઇએ સરકારી પિસ્તલમાંથી પોતે જ ગોળી છોડીને આપઘાત કરી લીધો હોવાનું જણાયુ હતું. સાતાભાઇએ પોતાની જાતેજ છાતીમાં ગોળી ધરબી દીધી હતી. તેઓનું ઘટના સ્થળે જ મોત નિપજ્યુ હતું. સ્થળ પરથી એક કાર પણ મળી આવી હતી. આ કાર પણ સાતાભાઇની હોવાનું જણાયુ હતું. બપોરે ૧૨ કલાક આસપાસ તેઓ આ કાર લઇને ઉપરોક્ત સ્થળે આવ્યા હતા અને ત્યાં પોતે પોતાની સરકારી પિસ્તલમાંથી ગોળી છોડીને આપઘાત કર્યો હોવાનું પોલીસ માની રહી છે પોલીસને સ્થળ પરથી સ્યુસાઇટ નોટ પણ મળી આવી છે.

આ મામલે ડીવાયએસપી એમ.કે.રાણાએ સ્યુસાઇટ નોટ મળી આવ્યાની બાબતને પુષ્ટી આપી હતી. તેઓએ જણાવ્યુ હતુકે, સ્યુસાઇટ નોટમાં સાતાભાઇએ આર્થિક સંકડામણથી પોતે આપઘાત કરતા હોવાનો ઉલ્લેખ કર્યો છે. સ્યુસાઇટ નોટ સાતાભાઇના હસ્તે જ લખાઇ હોવાનું પણ પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યુ છે. નોટમાં તેઓએ આર્થિક સંકડામણના કારણે છેલ્લા છ માસથી ટેન્શનમાં હોવાનું અને આર્થિક સંકડામણથી વ્યવહાર બંધ થઇ ગયા હોવાનો ઉલ્લેખ કર્યો છે.

બોક્સ..

નાણાં ભીડે કઠણ કાળજુ ધરાવતા કમાન્ડોને પણ મરવા મજબૂર કર્યા

આર્થિક સંકડામણથી આપઘાત કરનાર સાતાભાઇ ચૌહાણ કમાન્ડો હતા. કમાન્ડોને કોઇપણ મુશ્કેલ પરિસ્થિતીમાંથી કેમ પસાર થવુ તેની ટ્રેનિંગ આપવામાં આવતી હોય છે. સાતાભાઇ સાથે ફરજ બજાવતા કમાન્ડોનું જણાવવુ છેકે, સાતાભાઇ પણ કોઇપણ મુશ્કેલ પરિસ્થિતિમાંથી પસાર થવાનું કઠણ કાળજુ ધરાવતા હતા. પરંતુ આર્થિક સંકડામણે તેઓને માનસિક થકવી દીધા હતા. સ્યુસાઇટ નોટમાં પણ તેઓએ આ બાબતનો આડકતરો ઉલ્લેખ કર્યો હતો.

ભાઇને સંતાનો અને પત્નીનું ધ્યાન રાખવા જણાવ્યું

સ્યુસાઇટ નોટમાં સાતાભાઇએ પોતાના પત્ની તથા સંતાનોની પણ ચિંતા દર્શાવી છે. તેઓએ રામધરી ખાતે રહેતા પોતાના ભાઇને સંબોધીને પોતાના પત્ની અને બાળકોની સંભાળ રાખવાનું જણાવ્યુ છે. ગઇકાલે તેઓએ પોતાના ભાઇનો સંપર્ક કરી વાતચીત કરી હતી અને આ છેલ્લો ફોન હોવાનું જણાવ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here