નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ હેઠળની શાળાઓમાં ૧૭૬ સ્માર્ટ વર્ગખંડો તૈયાર, વિદ્યાર્થીઓ જાતેજ ઓપરેટ કરી રહ્યા છે પ્રોજેક્ટર અને કોમ્પ્યુટર, ૨૫૧ જેટલા વિદ્યાર્થીઓ ખાનગી શાળા છોડી સરકારી શાળામાં પ્રવેશ મેળવ્યો.

સલીમ બરફવાળા
સરકારનો જ્ઞાનકુંજ પ્રોજેક્ટ સરકારી શાળાઓના શિક્ષણમાં મહત્વનો પ્રોજેક્ટ બની રહ્યો છે. સરકારી શાળામાં અભ્યાસ કરતા સામાન્ય અને ગરીબ પરિવારના બાળકો પણ આધુનિક શિક્ષણ સાથે તાલ મિલાવી શકે તે માટે અમલી બનેલો જ્ઞાનકુંજ પ્રોજેક્ટ ખાનગી શાળાઓને ટક્કર આપી રહ્યો છે. હજારો રૂ.ની ફી ભરી ખાનગી શાળાઓમાં અભ્યાસ કરતા અનેક વિદ્યાર્થીઓ સરકારી શાળામાં પ્રવેશ લઇ વિનામૂલ્યે આધુનિક ટેકનોલોજી સભર ભણતર પ્રાપ્ત કરી રહ્યા છે.

આજના સમયમાં એક પણ બાળક શિક્ષણથી વંચિત ના રહે અને સરકારી શાળાઓમાં અભ્યાસ કરતો વિદ્યાર્થી પણ આધુનિક ટેકનોલોજી યુક્ત ભણતર પ્રાપ્ત કરી જમાના સાથે તાલ મિલાવી શકે તે માટે સરકારે જ્ઞાનકુંજ પ્રોજેક્ટ ને અમલી બનાવ્યો છે. જ્ઞાનકુંજ પ્રોજેક્ટ કે જેમાં સરકારી શાળાઓમાં સ્માર્ટ બોર્ડ,પ્રોજેક્ટર, કોમ્પ્યુટર દ્વારા વર્ગખંડો તૈયાર કરવામાં આવ્યા છે. સિહોર સહિત ભાવનગર નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ હેઠળ ની ૫૫ શાળાઓમાં જ્ઞાનકુંજ પ્રોજેક્ટ હેઠળ ૧.૫૦ લાખના ખર્ચે તૈયાર થનાર એક વર્ગખંડ જેવા ૧૭૬ વર્ગખંડો તૈયાર કરવામાં આવ્યા છે.

નવા વર્ગખંડ ની સાથે સાથે શિક્ષકોને પણ ખાસ તાલીમ આપી તૈયાર કરવામાં આવ્યા છે જેથી તેઓ આધુનિક ટેકનોલોજી સભર ભણતર વિદ્યાર્થીઓને આપી શકે. આ પ્રોજેક્ટ અમલી બનતા ખાનગી શાળામાં હજારો રૂ.ની ફી ચૂકવી ને અભ્યાસ કરતા સુખી પરિવારના બાળકો પણ તેમની શાળાઓ છોડી સરકારી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ શાળાઓમાં વિનામૂલ્યે અભ્યાસ કરી રહ્યા છે. સરકારી શાળાઓમાં અમલી બનાવાયેલા આ જ્ઞાનકુંજ પ્રોજેક્ટથી વાલીઓ અને બાળકો પણ ખુબ ખુશ ખુશાલ જોવા મળી રહ્યા છે.

વાલીઓ તેમના બાળકોને ખાનગી શાળાઓને ટક્કર આપતી સરકારી શાળાઓમાં અભ્યાસ કરતા જોઈ હરખાઈ રહ્યા છે તો વિદ્યાર્થીઓ પણ આધુનિક ટેકનોલોજી યુક્ત અભ્યાસ એટલેકે ડીઝીટલ એજ્યુકેશન પ્રાપ્ત કરી રહ્યા છે. જેમાં વિદ્યાર્થીઓ જાતેજ કોમ્પ્યુટર, પ્રોજેક્ટર ઓપરેટ કરવાની તાલીમ મેળવી રહ્યા છે. જયારે વિદ્યાર્થીઓને શિક્ષકો સ્માર્ટ બોર્ડમાં અભ્યાસ કરાવતા નજરે પડે છે. જે તે સમયે તરસમીયા ખાતેની પ્રાથમિક શાળામાંથી રાજ્યમાં જ્ઞાનકુંજ પ્રોજેક્ટનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.

જેમાં હાલ ૨૫૧ વિદ્યાર્થીઓ ખાનગી શાળાઓ છોડી તેમાં અભ્યાસ કરી રહ્યા છે જે આ પ્રોજેક્ટની મહત્વપૂર્ણ સિદ્ધિ છે. જયારે પ્રોજેક્ટર અને કોમ્પ્યુટર દ્વારા સ્માર્ટ બોર્ડ પર તમામ અભ્યાસ કોર્ષ અને જ્ઞાન સાથે ગમ્મત નું શિક્ષણ વિદ્યાર્થીઓને ખુબ પસંદ પડી રહ્યું છે જે જ્ઞાનકુંજ પ્રોજેક્ટને આભારી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here