૮૦ વર્ષના દેવુકાકા બાળકો સાથે બાળક બનીને રમ્યા-બાળકોને ભારે મોજ પડી .

મિલન કુવાડિયા
સિહોરમાં ધોળકિયા પરિવારના અને હંસદેવ સંસ્થાના દેવુભાઈ ધોળકિયા એટલે દેવુકાકા જેનાથી સૌ કોઈ સારી રીતે પરિચિત છે. એક સફળ ઉધોગપતિ સાથે સમાજસેવામાં પણ ખૂબ મોટી નામના ધરાવે છે. સિહોરના ધ્રુપકા ગામે દેવુકાકાનું એક અલગ રૂપ જ જોવા મળ્યું હતું. ધ્રુપકા ગામે આવેલ પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા ખાણમાં મજૂરી કરતા ગરીબ ઘરના બાળકો ને જલસા મસ્તી કરાવવા દેવુકાકા અચાનક જ પહોંચી ગયા હતા. જે બાળકો એ રોટલા મરચું સિવાય નું જમણ જ ખાધું હોય અને સારું ભોજન સપનામાં પણ ના જોયું હોય તેવું શ્રેષ્ઠ ટેસડો પડી જાય તેવું ભોજન ત્યાં સ્થળ ઉપર હાજર રહીને દેવુકાકાએ બનાવરાવ્યું હતું.

આથી વિશેષ તેમણે બધા બાળકોને પોતાના હાથે ભોજન પીરસીને જમાડયું હતું. જેના ઘરે એક સાદ કરે ને ૧૦ માણસ હાજર થઈ જાય તેવા દેવુકાકા પોતે જ બધુ કામ બાળકો માટે કરી રહ્યા હતા.બધા બાળકોને પ્રેમથી જમાડીને જલસો કરાવી દીધો હતો. ત્યાર બાદ જરૂરિયાત મંદ બાળકોને વસ્ત્રનું વિતરણ કર્યું હતું. ઉપરાંત બાળકોના જ્ઞાનમાં વિકાસ થાય કઈક નવું શીખે તે માટે થઈને તે વિષયને લગતા પુસ્તકોને શાળામાં વસાવવા માટે જાહેરાત કરી હતી. ત્યાર બાદ બધા બાળકો સાથે ૮૦ વર્ષના દેવુકાકા ૮-૧૦ વર્ષના બાળક બનીને બાળકો સાથે રમવાનું શરૂ કરી દીધું હતું. દેવુકાકા સાથે ધમાલ-મસ્તી કરવાની બાળકોને મજા પડી ગઈ હતી. આ સાથે બાળકોને જ્ઞાનની અને મજાની વાતો પણ કરી હતી.આ કાર્યને સફળ કરવા શાળાના આચાર્ય અકબરભાઈ તથા જેન્તીભાઈએ સફળ આયોજન ઘડ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here