ગુજકેટ અને નીટની તૈયારીમાં ટયુશનીયા શિક્ષકો વ્યસ્ત, ક્લાસીસ પણ બંધ રાખવા હુકમ પણ તેનું પાલન કોણ કરાવે તે મોટો પ્રશ્ન, નગરમાં ૨૦..૩૦ થી ૬૦ વિદ્યાર્થીની બેંચો ધમધમે છે

દેવરાજ બુધેલીયા
રાજ્ય સરકારના આદેશ પ્રમાણે સોમવારથી તમામ શાળા-કોલેજો તેમજ સિનેમાગૃહો બંધ થઇ ગયા છે પરંતુ ખાનગી ટયુશન કલાસીસ હજુ પણ બેરોકટોક ધમધમી રહ્યાં છે. એક બેચમાં ૨૦ થી ૪૦ અને ૬૦ વિદ્યાર્થીઓ ધરાવતાં આ કલાસીસો વિદ્યાર્થીઓના આરોગ્યના જોખમે અને જાહેરનામાનો ભંગ કરીને ધમધમી રહ્યાં છે જેની સામે કાયદેસરની કાર્યવાહી કરવાની જરૂરીયાત ઉભી થઇ છે.

કોરોનાનો કહેર સમગ્ર વિશ્વમાં છે ત્યારે વિશ્વ આરોગ્ય સંસ્થા દ્વારા પણ કોરોનાને મહામારી જાહેર કરી દીધી છે. ભારતમાં પોઝિટિવ દર્દીઓ પ્રકાશમાં આવી રહ્યાં છે. તો સદ્નસીબે ગુજરાતમાં હજુ સુધી કોરોનાનો એક પણ પોઝિટિવ કેસ નોંધાયો નથી. આવી સ્થિતિમાં કોરોનાનો એતિચેપી અને જીવલેણ વાયરસ ફેલાય નહીં તે માટે રાજ્ય સરકારે રવિવારે ખાસ જાહેરાત કરી છે જે અંતર્ગત તમામ શાળા-કોલેજો ઉપરાંત મલ્ટીપ્લેક્સ, સ્વીમીંગપુલ, ટયુશનકલાસી  અને એજ્યુકેશન ઇન્સ્ટીટયુટ પણ બંધ રાખવા માટે સ્પષ્ટ સુચના આપવામાં આવી હતી. જેના પગલે સોમવારથી સિહોર સહિત સમગ્ર રાજ્યની શાળા-કોલેજો વેકેશન મોડ ઉપર આવી ગઇ છે.

થિયેટરો, પ્રાણી સંગ્રહાલય જ નહીં પરંતુ મંદિરો પણ બંધ થવા લાગ્યા છે.આવી સ્થિતિમાં વિદ્યાર્થીઓના આરોગ્ય સાથે ચેડા કરીને ઘણા ટયુશનીયા શિક્ષકો નીટ અને ગુજકેટની તૈયારીઓમાં વિદ્યાર્થીઓને વ્યસ્ત રાખ્યા છે. સિહોરના મોટાભાગના ટયુશન કલાસીસો અને ખાનગી એજ્યુકેશન ઇન્સ્ટીટયુટ બેરોકટોક ચાલુ છે. ત્યારે આ કલાસીસને બંધ કોણ કરાવે તે પણ મોટો પ્રશ્ન ઉભો થયો છે. જિલ્લા શિક્ષણાધિકારીના કાર્યક્ષેત્રમાં આ ખાનગી ટયુશન કલાસીસ આવતાં નથી. ત્યારે જાહેરનામાનો ભંગ થતો હોય કલેક્ટરે  આવા ૨૦ થી ૪૦ અને ૬૦ વિદ્યાર્થીઓની બેચ ધરાવતાં કલાસીસ ઉપર રોક લગાવી જોઇએ અને તાળાંબંધી કરવી જોઇએ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here