રેલી ધરણા આવેદન, અરજદારોના કામ ખોરવાયા

હરેશ પવાર
છેલ્લા કેટલાંય વખતથી વણઉકેલાયેલા પડતર પ્રશ્નોના મુદ્દે હવે રાજ્યના મહેસૂલ કર્મચારીએ સરકાર સામે બાંયો ખેંચી છે. આજથી સોમવારથી રાજ્યભરના મહેસૂલ કર્મચારીઓએ અચોક્કસ મુદતથી હડતાલ પર ઉતાર્યા છે. સિહોર સાથે જિલ્લામાં ફરજ બજાવતા મોટી સંખ્યામાં કર્મચારીઓ હડતાળમાં જોડાયા હતા. જીલ્લા સેવાસદન કચેરી ખાતે ધરણા કરી તેમની પડતર માંગણીઓ અંગે સૂત્રોચ્ચાર કર્યા હતા અને માંગણી સ્વીકારવામાં નહીં આવે ત્યાં સુધી કામગીરીથી અળગા રહી હડતાલ યથાવત રહેશેનું જણાવ્યું હતું. રાજ્યના મહેસૂલી કર્મચારીઓના પડતર પ્રશ્નો અંગે સરકાર સમક્ષ રજૂઆતો કરાઇ પણ હજુ સુધી કોઇ નિરાકરણ આવી શક્યું નથી.

પરિણામે હવે મહેસૂલ કર્મચારીઓ પણ સરકાર સામે જંગે ચઢ્યાં છે. મેહેસુલ વિભાગના કર્મચારીઓ અચોક્કસ મુદતની હડતાલ પર ઉતરતા વિવિધ સંસ્થાઓની સેવામાં અસર પડી હતી. જેમાં પુરવઠા વિભાગ તેમજ જન સેવા કેન્દ્ર અને જમીનને લગતી કામગીરી ઠપ્પ થઇ જતા અરજદારોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. મહેસૂલ કર્મચારી મહામંડળના કર્મચારીઓના જણાવ્યા અનુસાર, રેવન્યૂ તલાટી સંવર્ગને મહેસૂલમાંથી રદ કરી પંચાયત મંત્રી કેડર સાથે મર્જ કરવા, કલાર્કને નાયબ મામલતદારના પ્રમોશન આપવા, આવી 17 માંગણીઓને લઇને રજૂઆતો કરાઇ પણ હજુ કોઇ ઉકેલ આવી શક્યો નથી.

સરકાર હકારાત્મક દ્રષ્ટિકોણ રાખીને મહેસૂલ કર્મચારીઓના પ્રશ્ન ઉકેલેવો જોઈએ મહેસૂલ કર્મચારીઓનું કહેવું છે કે, જ્યાં સુધી સરકાર પ્રશ્નોનુ નિરાકરણ નહીં લાવે ત્યાં સુધી લડત ચાલુ રહેશે. રાજ્યના દસ હજાર કર્મચારીઓ હડતાલમાં જોડાતાં સરકારી કામકાજ ખોરવાશે તેવી શક્યતાને પગલે મહેસૂલ વિભાગના ઉચ્ચ અધિકારીઓ ચિંતામાં મૂકાયાં છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here