સોસાયટી, શેરી-મહોલ્લામાં ડ્રમ, હાર્મોનિયમ, બેંજો, કેશીયો, ઢોલક પણ સંભળાયા તો બાળકોએ ઘૂઘરા વગાડયા

બ્રિજેશ ગૌસ્વામી – ગૌતમ જાદવ
જનતા કર્ફયુને તો સિહોરવાસીઓએ જડબેસલાક સફળ બનાવ્યો જ પણ સાંજના સમયે અભિવાદન કાર્યક્રમને પણ સુપરહીટ બનાવી દીધો હતો. સાંજે પાંચ વાગ્યે સિહોર આખુ થાળી, તાળી, શંખનાદ અને ઝાલરનાદ સહિત વિવિધ વાજીંત્રોના નાદથી ગૂંજી ઉઠયુ હતું. જાણે આખા સિહોરમાં સંધ્યા આરતી થઇ રહી હોય તેવો માહોલ સર્જાયો હતો. રવિવારની સાંજે પાંચ વાગવાને હજુ પાંચ મિનિટની વાર હતી ત્યાં જ કેટલીય સોસાયટીઓમાંથી તાળી અને થાળીના અવાજો આવવાના શરૃ થઇ ગયા હતાં.

બાદમાં પાંચ વાગતાની સાથે જાણે દિવસભર સુતેલુ સિહોર એકાએક આળસ મરડીને બેઠુ થયુ હતું. લગભગ દરેક સોસાયટી અને દરેક ઘરમાંથી કોઇને કોઇ ધ્વનિ બહાર આવી રહ્યો હતો. મોટા ભાગના ઘરમાંથી થાળી અને ચમસીનો નાદ ગૂંજતો હતો. તો કેટલાક ઘરમાંથી થાળી સાથે મંદિરમાં રાખેલી ઘંટડીઓનો મીઠો રણકાર પણ સંભળાઇ રહ્યો હતો આ સાથે શંખનાદે પણ વાતાવરણને ગજવી દીધુ હતું. અનેક જગ્યાએ ઝાલર પણ વાગતી હતી. જેની પાસે કંઇ નહી હતુ તેઓએ તાળીઓ વગાડીને કોરોના માટે કાર્યશીલ લોકોનો આભાર વ્યક્ત કર્યો હતો.

પાંચ વાગ્યાથી પાંચ મિનિટ સુધી આખુ સિહોર જાણે પ્રકૃતિની સંધ્યા આરતી ઉતારતુ હોય એવો માહોલ સર્જાયો હતો. થાળી, તાળી, ઝાલર, શંખ સાથે બાળકોએ ઘૂઘરા પણ વગાડયા હતાં. ઘણી જગ્યાએ  સંગીત પાર્ટીમાં વપરાતા માફક ડ્રમ, હાર્મોનિયમ, બેંજો, કેશીયો, ઢોલક, ત્રાસ વગેરે પણ સાંભળવા મળ્યા હતાં.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here