કરફ્યુની સ્થિતિમાં વેપારીઓએ માનવતા નેવે મૂકી : તંત્ર દ્વારા તાકીદે તપાસ કરવા માંગ

હરેશ પવાર
કોરોનાના કહેર વચ્ચે સિહોર શહેર અને તાલુકામાં કઠોળ અને શાકભાજી સહિત જીવનજરૂરીયાતની ચીજવસ્તુઓ વેચતા કેટલાક વેપારીઓ દ્વારા ઉઘાડી લૂંટ ચલાવવામાં આવી રહી હોવાની ફરિયાદો ઉઠી છે. ગ્રાહકોની મજબુરીનો લાભ લઈ કેટલાક વેપારીઓ દ્વારા બમણાંથી ત્રણ ગણાં ભાવ વસુલી રહ્યા છે ત્યારે સંબંધિત તંત્ર દ્વારા આ મામલે યોગ્ય કાર્યવાહી કરી ગ્રાહકો સાથે લૂંટ ચલાવતા વેપારીઓ સામે દંડનીય કાર્યવાહી હાથ ધરવામાં આવે તેવી માંગ ઉઠી છે.વૈશ્વિક મહામારી કોરોના વાયરસને લઈને રાજ્ય સરકાર દ્વારા છેલ્લા ઘણાં દિવસથી માર્ગદર્શિકા બહાર પાડી સમયાંતરે કોરોના વાયરસની મહામારીને નાથવા માટે પગલાં ભરવામાં આવી રહ્યા છે.

ગઇકાલે રાત્રે ૨૧ દિવસના કરફ્યુની જાહેરાત બાદ દૂધના પાર્લર તેમજ કરિયાણાની દુકાનો ખાતે ગ્રાહકોની ભારે ભીડ જોવા મળી હતી. દરમ્યાન લોકડાઉનની પરિસ્થિતિ વચ્ચે કઠોળ શાકભાજી તેમજ જીવનજરૂરીયાતની ચીજવસ્તુઓના વેપારીઓને છૂટ આપવામાં આવી હોય શાકમાર્કેટો ખાતે ગ્રાહકોની પડાપડી જોવા મળી હતી. લોકડાઉનની પરિસ્થિતિને લઈને કઠોળ શાકભાજી તેમજ જીવનજરૂરીયાતની ચીજવસ્તુઓ ખરીદવા નીકળેલ ગ્રાહકોને કડવો અનુભવ થયો હતો. શાકમાર્કેટોમાં છૂટક વેપારીઓ તેમજ પ્રોવિઝન સ્ટોરો દ્વારા રાતોરાત શાકભાજી કઠોળના ભાવ બમણાંથી બે થી ત્રણ ગણાં કરી દેવામાં આવ્યા હતા.

કોરોનાની મહામારી વચ્ચે કેટલાક વેપારીઓએ માનવતા નેવે મુકી ગ્રાહકો પાસેથી ઉઘાડી લૂંટ ચલાવી હોવાનું જાગૃતો જણાવી રહ્યા છે. બજારોમાં કેટલાક વેપારીઓ દ્વારા ગ્રાહકોની મજબુરીનો લાભ ઉઠાવી દરેક વસ્તુના બમણાંથી બે થી ત્રણ ગણાં ભાવ વસુલવામાં આવી રહ્યા હોવાનો આક્ષેપ જાગૃત ગ્રાહકો દ્વારા કરવામાં આવ્યો છે. લોકડાઉનમાં મજુર વર્ગની હાલત કફોડી બની ગઈ છે ત્યારે આ પરિસ્થિતિ વચ્ચે કેટલીક સામાજિક સંસ્થાઓ ગરીબ પરિવારોની વ્હારે આવી છે તો બીજી તરફ કેટલાક વેપારીઓ દ્વારા કોરોનાની મહામારીમાં માનવતા ભુલી નાણાં કમાવવાનો કીમીયો અજમાવતા હોવાની ઘટનાએ જાગૃતોમાં ભારે રોષ જગાવ્યો છે ત્યારે સંબંધિત તંત્ર દ્વારા આ મામલે યોગ્ય તપાસ કરી ગ્રાહકોને લૂંટતા વેપારીઓ સામે લાલ આંખ કરવામાં આવે તેવી માંગ પ્રબળ બની છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here