લોકડાઉનમાં મજૂરોનું જીવન વેન્ટિલેટર પર

મિલન કુવાડિયા
કોરોનાનો કહેર દિવસે ને દિવસે વધી રહ્યો છે, હવે આની ઝપેટમાં તમામ વર્ગો સાથે સાથે મજૂરો પણ આવ્યા છે. જોકે તેમને આ બીમારી લાગુ પડી ન હોવા છતાં તેઓની સ્થિતિ કફોડી બની ગઈ છે. સ્થિતિ એવી ગંભીર બની છે કે, તેમનું જીવન વેન્ટિલેટર પર આવી ચૂક્યું છે. સિહોર જીઆઇડીસી સાથે અલંગ માં રોજગારી માટે દેશભરમાંથી મજૂરો આવે છે. તેમાં પણ ઉત્તર પ્રદેશ, બિહાર અને મધ્યપ્રદેશ જેવાં રાજ્યોના મજૂરોની સંખ્યા વધુ છે. તેઓ અહીંયા આવીને માત્ર જીવન ટકાવવાનાં જ વેતરણમાં હોય છે. હવે જ્યારે કોરોના પ્રસરી રહ્યો છે, ત્યારે તેમનું જીવન દોજખભર્યું બની ગયું છે. અહીંયા આવીને હોટલ, શાક માર્કેટ, ટ્રાન્સપોર્ટ જેવી જગ્યાએ રોજિંદું કામ કરીને તેઓ પેટીયું રળે છે, પણ હવે કોરોનાના છેલ્લા અઠવાડિયાથી થયેલાં લોકડાઉનથી તેઓ ખરાબ રીતે ફસાયા છે, ન તો તેઓ વતન પાછા ફરી શકે છે, ન તો તેમને અહીંયા પૂરતી સગવડ મળી રહી છે. ભય અને અસુવિધાની વચ્ચે તેઓ અટવાઈ ચૂક્યા છે.

મહદંશે આમાંનો મોટો વર્ગ ભાડાના મકાનોમાં રહે છે તેથી તેમને માર બેવડો પડ્યો છે. હવે તેમની માત્ર આશા કાં તો તેઓ વતન પાછા ફરે અથવા તો તેમને નાની-મોટી રોજગારી મળવાની ચાલુ થાય. આ બંને વિકલ્પમાં કશું થાય એમ નથી. તેથી માત્ર ત્રીજો વિકલ્પ જેની અત્યારે રાજ્ય સરકારે જાહેરાત કરી છે તે મુજબ જ તેઓને રહેવું પડે અને તે છે કે સરકાર પાસેથી જીવન જરૂરિયાત ભરી ચીજવસ્તુઓ મેળવે. જોકે આ પછી પણ તેમની તકલીફ એ છે કે પરપ્રાંતિયો રહે છે તે ઘરો મોટે ભાગે નાની ખોલીઓ હોય છે, એક સાથે તેઓને રાત્રે જ ભેગા થવાનું થતું, જ્યારે અત્યારે સૌ એક સાથે ઘરોમાં પૂરાઈ રહેવું પડે છે. સોશિયલ ડિસ્ટસિંગની વાત તેમની વચ્ચે ક્યાંય સંભવી શકે એવી નથી.

આમાંથી કેટલાંક મજૂરોને તેઓ જ્યાં કામ કરતાં હતાં તેઓએ રાશન પૂરું પાડવાની વ્યવસ્થા ગોઠવી આપી છે, પણ તે ક્યાં સુધી ચાલશે તેની અસંમજસ છે. કાંઈક નક્કર પગલું તેમના માટે ભરાય તે જરૂરી બની ગયું છે. સામાન્ય રીતે ઉપલો વર્ગ નીચેના વર્ગનું શોષણ કરતો રહે છે, પણ કોરોનામાં વિદેશથી આવેલાં ઉપલા વર્ગે બેકાળજી રાખીને કેટકેટલાનું જીવન દોજખ બનાવી દીધું છે. હવે આવા જ ઉપલા વર્ગના લોકોએ આગળ આવીને નીચલા વર્ગને આ કપરા સમયમાં બેઠો કરવા હાથ લંબાવવા જોઈએ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here