કુલ્ફી, દાણા-ચણા અને પાણીપુરીની લારીઓ બંધ કરી શાકભાજી, દુધ, ફ્રુટ વેચી આવક મેળવવાનો પ્રયાસ

દેવરાજ બુધેલીયા
જીવલેણ કોરોના વાયરસના સક્રમણને અટકાવવા માટે કરવામાં આવેલા લોક્ડાઉનના પગલે ધંધા-રોજગાર માટે આવેલા કેટલાક પરપ્રાંતીયોએ વતનની વાટ પકડી છે તો કેટલાકે પેટનો ખાડો પુરવા માટે પોતાનો ધંધો બદલી નાંખ્યો છે અને જીવનજરૂરી ચીજવસ્તુનો ધંધો શરૂ કરી પોતાનું અને પરિવારનું ગુજરાન ચલાવવા માટે મજબુર બન્યા છે. સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવનાર જીવલેણ કોરોના વાયરસના સક્રમણને અટકાવવા ૨૧ દિવસનું લોક્ડાઉન જાહેર કરવામાં આવ્યું છે. જેને પગલે સિહોર શહેરમાં મોટા ભાગના ઉદ્યોગ-ધંધા બંધ રાખવાની ફરજ પડી છે.

પરિણામે દેશના અલગ-અલગ પ્રાંતમાંથી હજ્જારો કિલોમીટર દુરથી રોજગારી માટે આવનાર લોકોએ ઘરમાં કેદ થવાનો વારો આવ્યો છે. રોજગારી બંધ થઇ જતા પેટનો ખાડો કઇ રીતે પુરવો તેની ચિંતા સતાવતા વતનની વાટ પક્ડી છે. કોરોના સામે લડવા માટે એકબીજાથી ડિસ્ટન્સ અત્યંત જરૂરી હોવાથી રાજય અને કેન્દ્ર સરકારે સ્પષ્ટ સુચના આપી હતી કે કોઇ પણ કામ સિવાય બહાર નીકળવું નહિ અને તેઓ જે શહેરમાં હોય ત્યાં જ રહે જેથી વાયરસના સક્રમણને અટકાવી શકાય. તેમ છતા પણ રોજગારી બંધ થઇ જતા પેટનો ખાડો પુરવાની ચિંતામાં નાછુટકે જીવના જોખમે પણ વતનની વાટ પક્ડી છે.

જયારે કેટલાક લોકોએ વતન જવાનો વિચાર માંડી વાળ્યો છે અને તેઓ જે પરચુરણ ધંધો કરતા હતા તે ધંધો જ બંધ કરી દીધો છે અને પોતાનો અને પરિવારનો પેટનો ખાડો પુરવા માટે જીવનજરૂરી ચીજવસ્તુનો ધંધો શરૂ કરી દીધો છે. કુલ્ફીની લારી, ભંગારનો ધંધો કરનાર, દાણા-ચણાનો, પાણી પુરી, ચાઇનીસ સહિતની ખાણીપીણીની લારી વાળાએ હાલમાં શાકભાજી, ફ્રુટ, દુધ વિગરે સહિતની અન્ય જીવન જરૂરિયાતની ચીજવસ્તુનો ધંધો શરૂ કરી દીધો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here