માટલાની સીઝન શરૂ થતા જ લોકડાઉન જાહેર : કુંભકારો મુંજવણમાં

બ્રિજેશ ગૌસ્વામી
લોકડાઉને કઇ કેટલાય લોકોના રોજગારને ગંભીર અસરો પહોંચાડી છે. તેમાં આવતો એક વર્ગ એટલે કુંભકાર. હાલ માટલા બનાવીને બજારમાં મુકવાની સીઝન છે ત્યારે જ કોરોનાના કારણે લોકડાઉન લાગુ થતા આ સીઝનલ ધંધાનું ધોવાણ થઇ ગયાનું માટલાના વ્યવયસાકારો જણાવી રહ્યા છે. માટલાના ધંધા સાથે સંકળાયેલા લોકો કહે છે કે આખા વર્ષમાં અમારા માટે માર્ચથી મે સુધીનો સમયગાળો જ ધંધા માટેનું સૌથી અનુકુળ હોય છે. આખો પરિવાર માટી ખુંદવાથી લઇને ભઠ્ઠામાં માટીના વાસણો પકાવવા સુધીની તૈયારીમાં લાગી જતો હોય છે ત્યારે માટલા સહીતની માટીની વસ્તુઓ મહામહેનતે તૈયાર થતી હોય છે.

પરંતુ હાલ કોરોના વાઇરસને ધ્યાને લઇને લોકડાઉન જાહેર થતા તૈયાર થયેલો માલ પણ ધુળ ખાઇ રહ્યો છે. માર્ચમાં હળવી ગરમી શરૂ થતાની સાથે જ માટલાનું વેંચાણ ચાલુ થઇ જાય છે. હોલસેલ ધંધાર્થીઓ આ માલ મોટી સંખ્યામાં ખરીદી જતા હોય છે. પરંતુ હાલ કોઇ ખરીદી નહીં નીકળતા તૈયાર થયેલા માટલા એમને એમ પડી રહ્યા છે. સામે નવા માટલા બનાવવામાં આવે તો તેને રાખવા કયાં એ પ્રશ્ન પણ કુંભકારોને સતાવી રહ્યો છે.જો લોકડાઉનની સ્થિતી લંબાવાશે તો આ માટલાનો ધંધો સાવ ચોપટ થઇ જાય તેવા સંજોગો ઉભા થયા છે. સાથો સાથ નવી પેઢી પણ મોં ફેરવતી થઇ ગઇ છે. હજુ નવી પેઢી આ ધંધામાં જોતરાતી હોય તેવા સમયે જ જો તેમનો ઉત્સાહ તુટી પડે તેવો માહોલ નિર્માણ થાય તો તેઓ અન્ય ધંધા તરફ વળી જાય તેવી પુરી શકયતાઓ રહે છે.

ગુજરાત, રાજસ્થાન સહીતના પ્રદેશોના માટલા ખુબ વખણાતા હોય છે. એમાય રાજસ્થામાં કાળી માટી કે બજરી બાણ માટીમાંથી બનતા માટલા તો દેશ દુનિયાના ખુણે ખુણે પહોંચતા હોય છે. આ માટલાની વિશેષતા એ હોય છે કે કે તેમાં પાણી ભર્યાના અડધી કલાકમાં જ ઠંડુ થવા લાગે છે. પણ હાલમાં આ વખણાતા કવોલીટીવાળા માટલા પણ ધૂળ ખાઇ રહ્યા છે. માટલાના વ્યવસાયકારો માટે સરકાર કોઇ નીતિ જાહેર કરે અથવા અન્ય કોઇ વૈકલ્પિક વ્યવસ્થા કરે તેવી આશા માટલાના વ્યવસાયકારો રાખી રહ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here