સિહોર સાથે જિલ્લાના પ્રાથમિક શિક્ષકો એક દિવસનો પગાર મુખ્યમંત્રી રાહતફંડમાં જમા કરાવશે

મિલન કુવાડિયા
સમગ્ર વિશ્વ કોરોના વાયરસ જેવી મહામારી સામે સંઘર્ષ કરી રહ્યું છે. જેમાં રાજ્ય અને કેન્દ્ર સરકાર પણ પૂરી તાકાત અને તૈયારી સાથે કોરોના સામે લડી રહ્યા છે. આ સંજોગોમાં સરકારને મદદરૂપ થવાના આશયથી ભાવનગર જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ શ્રી મધુકર ઓઝાએ જિલ્લાના તમામ શિક્ષક ભાઈબહેનોને ૧ દિવસનો પગાર મુખ્યમંત્રી રાહતનિધી માં આપવાની અપીલ કરી હતી.આ પ્રસ્તાવને વધાવી લેતાં જિલ્લાના પ્રાથમિક શિક્ષક ભાઈ-બહેનોએ પોતાનો એક દિવસનો પગાર મુખ્યમંત્રી રાહતફંડમાં આપવાની જાહેરાત કરી છે. ભાવનગર જિલ્લાના કુલ ૭,૫૦૦ પ્રાથમિક શિક્ષક ભાઈઓ-બહેનો તેમજ ૧૦૦ સી.આર.સી-બી.આર.સી કર્મીઓએ પોતાના એક દિવસનો પગાર મુખ્યમંત્રી રાહતનિધિ ફંડમાં અનુદાન કરવાની જાહેરાત કરી છે.

જે રકમ ૧ કરોડ ૧૦લાખ રૂપિયા જેટલી થાય છે.અને સમગ્ર રાજ્યના શિક્ષકોએ રાહતનિધિ ફંડમાં જમાં કરેલ આ રકમ ૩૪.૨૦ કરોડ જેટલી થાય છે.જે ખૂબ ગૌરવપૂર્ણ બાબત કહી શકાય.ભાવનગર જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના મહામંત્રી ગજેન્દ્રસિંહ વાળાએ સૌ તાલુકા ઘટક સંઘના આ માનવીય અભિગમને આવકારવા સાથે આ મહામારીમાં સૌ શિક્ષકમિત્રોને સમાજની સુખાકારી માટે સતત ખડેપગે રહેવા જણાવ્યું હતું.ભાવનગર જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના સૌ હોદ્દેદારોએ જિલ્લા કલેકટરશ્રી ગૌરાંગ મકવાણા તથા જિલ્લા વિકાસ અધિકારીશ્રી વરૂણકુમાર બરનવાલને સંપૂર્ણ સહયોગ આપવાના શુભ હેતુ સાથે જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રીને શિક્ષકોના માર્ચ પેઈડ ઈન એપ્રિલના પગારમાંથી એક દિવસનો પગાર કાપવા લેખિત રજૂઆત કરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here