વેપારીઓ ગ્રાહકો પાસેથી ત્રણ ગણા ભાવ મેળવી બંધાણીઓને લૂંટી રહ્યા છે

હરેશ પવાર
સિહોરમાં લોકડાઉન કેટલાક તકસાધુ વેપારીઓને ફળ્યું છે. કોરોનાને લઈ બજારો સંપૂર્ણ બંધ હોઈ ગુટકા, તમાકુ, મસાલા તેમજ બીડીના બંધાણીઓની હાલત સાપે છછુંદર ગળ્યા જેવી થઈ છે તેવા સમયે સિહોર શહેર સહિતના ગામડાઓમાં તમાકુ, બીડી, મસાલાની માંગ વધતા કેટલાક વેપારીઓ તકનો લાભ ઉઠાવીને બંધાણીઓ પાસેથી ત્રણ ગણા ભાવ પડાવીને લૂંટ ચલાવી રહ્યા છે. લોકડાઉનને પગલે સિહોરમાં ગુટકા, તમાકુ,મસાલા, બીડીની ભારે માંગ વધતા કેટલાક વેપારીઓ તેમના એજન્ટો મારફતે તગડી કિંમતે ગુટકા, તમાકુ,બીડી ગ્રાહકોને હોમ ડિલેવરી કરવામાં આવી રહી છે. કોરોના સામેના જંગમાં સરકાર દ્વારા દેશભરમાં લોકડાઉન કરવામાં આવ્યું છે.

જેમાં તમાકુ, બીડીના વેચાણ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે તેમ છતાં કેટલાક વેપારીઓ છાને,છુપને તમાકુ, ગુટકા, બીડીના કાળાબજાર શરૃ કર્યા છે. જોકે લોકડાઉનને લઈ કેટલાક પરિવારોને ખાવા,પીવાની ચીજવસ્તુઓ મેળવવામાં ફાંફા પડી રહ્યા છે તો ગુટકા, તમાકુ, બીડી સહિતના વ્યવસાયની ચીજવસ્તુઓનું વેચાણ બેરોકટોક થઈ રહ્યું છે. બીજી બાજુ પાન, બીડીના ગલ્લા બંધ હોવાથી બીડી, ગુટકા, મસાલા, તમાકુની માંગ વધતા કેટલાક વેપારીઓ બંધાણીઓ પાસેથી મોં માગ્યા દામ વસુલી રહ્યા છે.

કેટલાક વેપારીઓ અને તેમના એજન્ટો તમાકુ, બીડી, ગુટકા, મસાલાનું ચોરીછુપીથી વેચાણ કરીને તગડી કમાણી કરી રહ્યા છે ત્યારે જવાબદાર તંત્ર દ્વારા આ બાબતે ગંભીર નોંધ લઈને તમાકુ, બીડી, ગુટકાનું વેચાણ કરતા વેપારીઓ સામે કડક પગલા ભરવામાં આવે તે જરૃરી બન્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here