એર અને નોઈસ પોલ્યુશન ઘટયું, હવા ચોખી થઈ, લોકડાઉન લંબાવવાના ભીતિએ રોજબરોજના ખર્ચા પર કાપ મુકાયા – બિનજરૂરી ચીજવસ્તુઓની ખરીદીનું કોઈ નામ પણ લેતું નથી

હરેશ પવાર
કોરોનાની મહામારીએ સિહોર શહેર અને પંથકના લોકોને ૩૧ દિવસથી ઘરમાં કેદ કરી દીધા છે. એક દિવસ અગાઉ રાજ્ય સરકાર અને ૨૫મીથી કેન્દ્ર સરકારે આપેલા લોકડાઉન પાર્ટ ૨ ના ૧૦ દિવસ પૂરા થઈ ચુક્યા છે. લોકડાઉનના આ દિવસોએ લોકોને પરિવાર સાથે રહેવાનો મૌકો તો આપ્યો જ છે સાથો સાથ લોકડાઉને માનવીને મર્યાદીત જરૂરિયાતમાં જીવતા પણ શીખવાડયું છે.

કહેવાય છે કે, માનવીની ઈચ્છાઓ અને શોખ ક્યારેય પૂર્ણ થતા નથી. પરંતુ હાલની પરિસ્થિતિ એવી છે કે, કોઈ ધારે તો પણ કેટલીક ઈચ્છા અને શોખ પૂરા થઈ શકે તેમ નથી. લોકડાઉન પહેલા રાત-દિવસ ધમધમતું સિહોર આજે દિવસે પણ સૂમસામ ભાસીં રહ્યું છે. હોટલો, રેસ્ટોરન્ટ અને ભોજનાલયોનું જ ખાવાનું ખાવાથી ટેવાયેલા લોકો આજે લોકડાઉનને કારણે ઘરના બે ટંકના રોટલા ખાઈ રહ્યા છે. કોસ્મેટીક, હોઝિયરીની ચીજવસ્તુઓ નથી મળતી તોય કોઈ ફરિયાદ નથી કરતું. બર્થ ડે પણ સાદાઈથી ઉજવાઈ રહ્યા છે.

લોંગ ડ્રાઈવ અને હરવા ફરવાનું બંધ થઈ જતાં પાછલા ૩૧ દિવસમાં એર અને નોઈસ પોલ્યુશન ઘટી ગયું છે. જેના કારણે હવા ચોખી થઈ ગઈ છે. હવા ચોખી થવાના કારણે લાંબા અંતરના પહાડી વિસ્તારો સ્પષ્ટ દેખાવા લાગ્યા છે. ૩ મેં ના રોજ પાર્ટ ૨ નું લોકડાઉન પૂરૂ થવાનું છે. નાગરિકોએ રોજબરોજના ખર્ચા પર કાપ મુકી બિનજરૂરી ચીજવસ્તુઓની ખરીદીનું નામ લેવાનું જ બંધ કરી દીધું છે. લોકડાઉનનો જેમ મૂળ મંત્ર છે, ઘરમાં રહો, સુરક્ષિત રહો. તે અવળી પરિસ્થિતિમાં કારગત નીવડયો તે કહેવું ખોટું નથી. આવા કપરા સમયમાં શક્તિ તેવી ભક્તિ સાથે સેવાના ધોધ વહી રહ્યા છે. આમ, લોકડાઉનના નકારાત્મક સાથે હકારાત્મક પહેલુંઓ પણ સામે આવ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here