ડિસેમ્બરમાં પ્રથમ વખત તાપમાન 16 ડિગ્રી નીચે, સિઝનનો ઠંડો દિવસ
18 કિ.મી.ની ઝડપે સુસવાટા મારતા પવનથી દિવસે પણ ટાઢુંબોળ, રાત્રે તાપણાં બેઠક શરૂ થઈ
બ્રિજેશ ગૌસ્વામી
સિહોર સહિત જિલ્લામાં ગઈકાલ રવિવારનો દિવસ શિયાળાની ઋતુનો સૌથી ઠંડો દિવસ રહ્યો હતો. શહેરમાં રવિવારની રજામાં આખો દિવસ ૧૬ કિ.મી.ની ઝડપે ફૂંકાયેલા સુસવાટા મારતા પવનને કારણે દિવસના સમયમાં પણ ટાઢુંબોળ વાતાવરણ રહ્યું હતું. રાત્રિના સમય તો જાણે સ્વયંભૂ કર્ફ્યું જેવો માહોલ થઈ ગયો હોય તેમ નગરજનો બહાર ઠંડીમાં ઠુંઠવાયાના બદલે ઘરમાં પૂરાઈ જતાં રસ્તાઓ સુમસામ ભાંસી રહ્યા હતા.
વહેલી સવારથી જ શીતલહેર ફૂંકાવાનું શરૂ થઈ ગયું હતું. દિવસે વાદળિયા વાતાવરણ વચ્ચે ૧૮ કિ.મી.ની ઝડપે સુસવાટા મારતો પવન ફૂંકાતા નાગરિકોને ગરમ વસ્ત્રોનો સહારો લેવો પડયો હતો. શિયાળાની ઋતુમાં આજે પ્રથમ વખત જ ઠંડીનો પારો ૧૬ ડિગ્રીની નીચે ઉતરી ગયો હતો. શહેરનું લઘતમ તાપમાન ૧૫.૫ ડિગ્રી રહેતા સમીસાંજ બાદ ઠંડીનું જોર વધ્યું હોય તેવો અનુભવ થયો હતો.
ઠંડીના કારણે લોકોએ બિનજરૂરી ઘરની બહાર નીકળવાનું ટાળ્યું હતું. રાત્રિના ૧૧ વાગ્યા બાદ લોકો ઘરમાં જ પૂરાઈ રહ્યા હતા. તો ઘણાં લોકોએ ઠંડીમાં રાહત મેળવવા પોતાની શેરી, ફળિયામાં તાપણાં બેઠક કરી હતી.દિવસે વાતાવરણ ટાઢુંબોળ રહેવાના કારણે મહત્તમ તાપમાન ૧.૪ ડિગ્રી ઘટીને ૨૬ ડિગ્રીએ પહોંચી ગયું હતું. જ્યારે છેલ્લા બે દિવસથી ઠંડીનો પ્રમાણ વધવાથી લઘુતમ તાપમાન ૪ ડિગ્રી જેટલું ઘટી ગયું હતું.