સરકારે 60 દિવસમાં પ્રશ્નોનું નિરાકરણ લાવવાની બાંહેધરી આપતાં અચોકકસ મુદતની હડતાલનો અંત

હરેશ પવાર
સિહોર સહિત જિલ્લા અને રાજયના મહેસુલી કર્મચારીઓ તેમની પડતર ૧૭ જેટલી માંગણીઓ સાથે અચોકકસ મુદતની હડતાલ ઉપર ઉતર્યા હતા અને રાજયમાંથી હજારો કર્મચારીઓ ગાંધીનગર ખાતે પણ વિશાળ રેલી યોજી સભા કરી હતી અને સરકારને પોતાની માંગણીઓ સત્વરે સંતોષવા માટે અલ્ટીમેટમ આપી મુખ્યમંત્રીને પણ આવેદનપત્ર આપ્યું હતું. ત્યારે ગઈકાલે સરકારે ૬૦ દિવસમાં પ્રશ્નોનું નિરાકરણ લાવવાની બાંહેધરી આપતાં હડતાલ સમેટાઈ છે જેથી સિહોર સહિત જિલ્લાના મહેસુલી કર્મચારીઓ આજથી નિયમિત કચેરીમાં કામ કરતાં થઈ ગયા છે.

ગુજરાત રાજય મહેસુલી કર્મચારી મહામંડળ દ્વારા રાજય સરકારને વિવિધ ૧૭ જેટલી પડતર માંગણીઓના સત્વરે ઉકેલ લાવવા માટે રજુઆત કરવામાં આવી હતી પરંતુ સરકાર દ્વારા કર્મચારી મહામંડળની એકપણ માંગણી સંતોષવામાં આવી નહોતી. જેના કારણે આ કર્મચારીઓએ કાળી પટ્ટી બાંધી, માસ સીએલ ઉપર પણ ઉતર્યા હતા તેમ છતાં સરકારના પેટનું પાણી નહીં હલતાં સમગ્ર રાજયમાં અચોકકસ મુદતની હડતાલ ઉપર જવાનું નકકી કરવામાં આવ્યું હતું. જેના ભાગરૂપે સમગ્ર રાજયના ગત તા.૯ ડીસેમ્બરથી મહેસુલી કર્મચારીઓ અચોકકસ મુદતની હડતાલ ઉપર ઉતરી ગયા હતા.

ત્યારે સમગ્ર રાજયમાંથી હજારો કર્મચારીઓ ગાંધીનગરમાં ઉમટી પડયા હતા સત્યાગ્રહ છાવણી સુધી રેલી પણ યોજી હતી અને હમારી માંગે પૂરી કરો.. મહેસુલી એકતા ઝીંદાબાદ જેવા સુત્રોચ્ચાર કર્યા હતા. તો સરકારે પણ આ હડતાલ ત્વરિત સમેટાય તે માટે મહેસુલી કર્મચારી મંડળ સાથે બેઠકોનો દોર શરૂ કર્યો હતો અને આજે પણ બેઠક યોજવામાં આવી હતી. જેમાં કર્મચારીઓની પડતર વિવિધ ૧૭ જેટલી માંગણીઓના નિરાકરણ માટે ૬૦ દિવસનો સમય માંગ્યો હતો.  જેથી કર્મચારી મંડળે હડતાલ સમેટવાનું નક્કી કર્યું હતું.

આજથી રાબેતા મુજબ કામગીરી શરૂ કરવાનું નક્કી કર્યું છે. સિહોર સાથે જિલ્લાના મહેસુલી કર્મચારીઓ હડતાલ ઉપર હતા જે પણ આજથી કચેરીમાં કામ કરતાં થઈ ગયા છે. એક અઠવાડીયાથી કર્મચારીઓ હડતાલ ઉપર જવાના કારણે મોટી સંખ્યામાં અરજીઓનો ભરાવો થઈ ગયો છે જેનો પણ તાત્કાલિક નિકાલ કરવો પડશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here