વધુ એક ઘટસ્ફોટ: ૧૧ કરોડની પાણીની લાઈનમાં ૧૦ કરોડનો ભષ્ટાચાર: મુકેશ જાનીનો સણસણતો આક્ષેપ

બ્રિજેશ ગૌસ્વામી – શ્યામ જોશી
પાપ અને ભષ્ટાચારને છુપાવવાની નીતિઓ હવે હાવી થઈ ગઇ છે, ૧૧ કરોડની પાણી યોજના ધૂળધાણી થઈ ગઈ: દીપશંગભાઇ રાઠોડ

સિહોર નગરપાલિકામાં થતા ગેરવહીવટે હવે માજા મૂકી છે આજે સિહોરના ઇતિહાસમાં સૌથી મોટો ભષ્ટાચાર થયાનો આરોપ લાગ્યો છે જેને લઈ શહેરભરમાં હડકંપ મચી જવા પામ્યો છે હજુ ફિલ્ટર પ્લાન્ટનો વિવાદ શમ્યો નથી ત્યાં ફરી ૧૧ કરોડની પાણીની પાઇપ લાઈનમાં ૧૦ કરોડનો ભષ્ટાચાર થયો હોવાના આરોપે રાજકારણ ચકચાર મચાવીને રાખી દીધી છે સિહોર નગરપાલિકામાં કેન્દ્ર અને રાજ્ય સરકારની વિકાસના કામોની ગ્રાન્ટમાંથી વિકાસના કામો ઓછા અને કૌભાંડ મોટા પ્રમાણમાં થઈ રહ્યા છે તેના અનેક પુરાવા વિપક્ષ અને શાશક સભ્યો વારંવાર આપી ચુક્યા છે અને કૌભાંડની બૂમો ઉઠવા છતાં નેતાઓ અને અધિકારીઓ માટે ‘સબકા સાથ સબકા વિકાસ’ બની રહેતા કૌભાંડોની હારમાળા સર્જાઈ રહી છે.

ગતિશીલ ગુજરાત મોડેલને રજુ કરનારાઓને શરમ આવે તેવી છબી અહીં જોવા મળી રહી છે. આમતો ગુજરાત મોડેલની વાતો કરતાં નેતાઓ થાકતા નથી, પણ ગુજરાતના વિકાસની ગુલબાંગો હાંકતા નેતાઓએ સિહોર તરફ પણ એકવાર ડોકિયું કરવાની જરૂર છે સિહોર નગરપાલિકામાં કરોડો રૂપિયાની ગ્રાંટ આવતી હોય પરંતુ અંધેર વહીવટના લીધે ગ્રાંટનો ઉપયોગ ચોક્કસ દિશામાં થતો ન હોય સિહોરની આમ જનતા સ્થાનિક પ્રશ્નોને લઇને પીસાઇ રહી છે. જેમાં ૧૧ કરોડ રૂપિયા જેવી માતબર રકમ સિહોરની સમગ્ર પાણીની પાઇપ લાઇન બદલી લોકોને પ્રેશરથી પાણી મળી શકે તેવા આશયથી આ રકમ ફાળવવામાં આવેલ પરંતુ સત્તાધિશોના ગેરવહીવટ અને ભ્રષ્ટાચારને કારણે આ લાઇન આડેધડ પાથરી દીધી છે.

આજે સિહોર નગરપાલિકા નગરસેવક દીપશંગભાઈ રાઠોડ, મુકેશ જાની, ડાયાભાઈ રાઠોડ, કિરણભાઈ ઘેલડા દ્વારા ૧૧ કરોડની પાણીની પાઇપ લાઈન મુદ્દે ગંભીર પ્રકારના આરોપો કર્યા છે આજે આ નગરસેવકોએ કેટલાક સ્થળોએ મુલાકાત લીધી હતી અને જ્યાં પાણીની લાઈનો લીકેજ હોવાનું સામે આવ્યું છે ત્યારે દીપશંગભાઈએ કહ્યું હતું કે પાપ અને ભષ્ટાચારને છુપાવવાની નીતિઓ હવે હાવી થઈ ગઇ છે, ૧૧ કરોડની પાણી યોજના ધૂળધાણી થઈ હોવાનું જણાવી શાશકો સામે અનેક સવાલો ઉભા કર્યા હતા જ્યારે મુકેશ જાનીએ સિહોરના ઇતિહાસમાં સૌથી મોટો ભષ્ટાચાર થયો હોવાનો આરોપ લગાડી કહ્યું હતું કે ૧૧ કરોડની પાણીની લાઈનમાં ૧૦ કરોડના ભષ્ટાચાર થયો છે આ આરોપ લગાડીને શહેરભરમાં ચકચાર મચાવીને રાખી દીધી છે હજુ ફિલ્ટર પ્લાન્ટનો વિવાદ શમ્યો નથી ત્યાં ૧૧ કરોડના કામમાં ૧૦ કરોડના ભષ્ટાચારની વાતે કેટલાકના હાજા ગગડાવી દીધા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here