સમાધિ જોઈને દુઃખ થાય, સમાધિ આજુબાજુ લોકોએ ઉકરડા જેવી હાલત કરી નાખી, સ્થાનિકોએ છાણા થાપવાનું શરૂ કર્યું, સ્થિતિ દુઃખદ છે
નાનાસાહેબએ ૧૮૫૭ના વિપ્લવમાં અંગ્રેજોને હંફાવ્યા હતાં જેમની સમાધિ સિહોર ખાતે આવેલી છે, વારસો જળવાય તે જરૂરી છે
બ્રિજેશ ગૌસ્વામી
સિહોરમાં બ્રહમકુંડની પાસે આવેલ આંબાવાડીની કૂઇ,દક્ષિણીના ડેલા પાસે આવેલ આઝાદીના લડવૈયા નાના સાહેબ પેશ્વાના સમાધિ આવેલી છે જેની હાલત અને સ્થિતિ ખુબજ કપરી અને નાજુક દેખાઈ રહી છે કારણકે અહીં સમાધિ આજુબાજુ લોકોએ કચરો અને ઉકરડા જેવી હાલત કરીને મૂકી રાખી છે અને છાણાઓ થાપવાનું શરૂ કર્યું છે ત્યારે તંત્ર કોઈ ઢોસ કદમ ઉઠાવે તે જરૂરી છે બીજી બાજુ તંત્રની નિષ્ક્રિયતા સામે પણ અનેક સવાલો ઉભા થયા છે. સિહોર એક ઐતિહાસિક સ્થળ તરીકે સમગ્ર ગુજરાતભરમાં વિખ્યાત છે.
તેમાં સને ૧૮૫૭ના વિપ્લવમાં અંગ્રેજોને હંફાવનાર ક્રાંતિકારી નાના સાહેબ પાછલી અવસ્થામાં સિહોરમાં આવીને વસ્યા હતા. તેઓએ પોતાના અંતિમ શ્વાસ પણ સિહોરમાં લીધા હોવાનું મનાય છે. તેઓની સમાધિ આજે પણ બ્રહમકુંડ પાસે આવેલી છે. પરંતુ આ સમાધિ સ્થળને કોઇ અકળ કારણોસર નજરઅંદાઝ કરવામાં આવે છે. દેશ માટે પોતાના પ્રાણની આહુતિ આપનાર અને ૧૮૫૭ના વપિ્લવમાં જેમણે અંગ્રેજોને હંફાવ્યા હતા તેવા પેશ્વા સાહેબના સમાધિ સ્થળને વિકસાવવા માટે આપણા સતાધીશો પાસે કોઇ આયોજન નથી! હા, સિહોરમાં તાલુકા પંચાયત સામેના જાહેર બાગમાં નાના સાહેબ પેશ્વાની પ્રતિમા ચોકકસ મૂકવામાં આવી છે. પરંતુ એનાથી એમનો ઈતિહાસ લોકો સમક્ષ ઉજાગર નહીં થાય.
તંત્ર દ્વારા આ અંગે ગંભીરતાથી કામગીરી હાથ ધરી સમાધિની યોગ્ય દેખભાળ થાય તેવી લોકોમાં માંગ ઉઠી છે. જો આ સમાધિ સ્થળ પાસે તેમના નામની તકતી લગાવવામાં આવે તેમજ આ સ્થળની મુલાકાત માટે વધારેમાં વધારે પ્રવાસીઓ આકષૉય તે માટે એક સુંદર બગીચો બનાવવામાં આવે તે પણ એટલું આવશ્યક છે. આ સમાધિ સ્થળ નજીક નાના સાહેબ પેશ્વાના ૧૮૫૭ના વપિ્લવથી તેઓ સિહોર આવ્યાથી તેઓના અંતિમ શ્વાસ સુધીનો ઈતિહાસ વર્ણવતો લેખ એક પથ્થર પર કોતરાવવો જોઇએ. જેથી આ સ્થળે આવનાર પ્રવાસીઓને નાના સાહેબના જીવન ચરિત્રનો પરિચય મળે!