સમી સાંજના સિહોર તાલુકાના ગામડાઓમાં કમોસમી વરસાદ ખાબક્યો- ઉનાળુ પાકને મોટું નુકસાન, ખેડૂતોમાં ચિંતાની લકીરો

દેવરાજ બુધેલીયા – નિલેશ આહીર
એક તરફ દેશભરમાં લોકડાઉનના પગલે બધા ધંધા રોજગાર બંધ છે અને સાથે સાથે ખેતીના પાક પણ વેચાઈ રહ્યા નથી. ખેડૂતોના ઘર અને ખેતરમાં તેના પાક પડી રહ્યા છે. ત્યારે આજે સમી સાંજે સિહોર તાલુકાના કેટલાક ગામોમાં અચાનક પડેલા કમોસમી વરસાદથી ખેડૂતોને નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. કોરોના વાયરસને કારણે લૉકડાઉન ચાલી રહ્યું છે.

જેના કારણે ખેડૂતોનો તૈયાર પાક વેચી શકતા નથી કમોસમી વરસાદને કારણે ખેતરોમાં પાણી ભરાઈ ગયા હતા અને પાક પલળતા ખેડૂતોને મોટું નુકસાન ભોગવવાનો વારો આવ્યો છે.ભર ઉનાળે જાણે ઢળતી સાંજે અષાઢી માહોલ જામ્યો હોય તેવું વાતાવરણ માં અચાનક સિહોરના વાતાવરણ માં પલટો આવ્યો હતો. સમીસાંજે આકાશમાં ઘનઘોર વાદળો છવાઈ જતા અંધારપટ છવાઈ ગયું હતું. સિહોર તાલુકાના મઢડા, બુઢણા ટાણા ભોલાદ નેસડા સહિતના વિસ્તારોમાં કમોસમી વરસાદ ખાબકતા ખેડૂતો મૂંઝવણમાં મુકાઈ ગયા હતા.

કમોસમી વરસાદને લઈને ખેડૂતના કેરી, બાજરી, જુવાર તલ જેવા ઉનાળુ પાકને મોટું નુકસાન થયું હતું. એક તરફ લોકડાઉનને લઈને ખેડૂતોના પાકનો પૂરતો ભાવ મળતો નથી ત્યારે બીજી તરફ કમોસમી વરસાદ થી ખેડૂતો ઉપર મુશ્કેલીઓ નો ભાર વધ્યો હતો. ઈશ્વર જાણે જગતના તાત ઉપર રુઠયો હોય તેવું લાગે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here