સિહોરના કારખાનાઓ અને ઉદ્યોગગૃહોમાં શ્રમિકોના અભાવે ઉત્પાદનમાં કાપ આવશે

હરેશ પવાર
પ્રવર્તમાન નોવેલ કોરોના વાયરસ સંક્રમણ અટકાવવા માટે વડાપ્રધાન દ્વારા ગત માર્ચ માસથી જાહેર કરાયેલ પ્રથમ, દ્વિતીય અને તૃતીય લોકડાઉનના કારણે લાખો પરપ્રાંતિય શ્રમિકો માદરે વતન જતા રહેતા કારખાનાઓ અને ઉદ્યોગગૃહોમાં જરૂરી ઉત્પાદનમાં કાપ આવશે.એટલુ જ નહિ, છેલ્લા ૫૫ દિવસથી સંપૂર્ણપણે લોકડાઉન થયેલા અર્થતંત્રને ફરી પાટે ચડાવવામાં સૌ કોઈને નાકે દમ આવી જશે. કોરોના લોકડાઉનના કારણે સંભવત વિકરાળ સ્વરૂપ ધારણ કરી રહેલી વૈશ્વિક મંદીની ઘેરી અસર સિહોર ભાવનગર શહેર સહિત સૌરાષ્ટ્રભરના લગભગ મોટા ભાગના ઉદ્યોગગૃહો અને કારખાનાઓ પર વર્તાવાના ચિંતાજનક વાવડ મળી રહ્યા છે.

કોરોનાના લોકડાઉનના કારણે એકબાજુ આવશ્યક કાચા માલસામાનનો સદંતર અભાવ એટલુ જ નહિ લોકડાઉન અગાઉ તૈયાર કરાયેલા માલની અપૂરતી લેવાલી (ખરીદી) ઉપરાંત સૌથી મોટો યક્ષ પ્રશ્ન શ્રમિકોની અછત, નાણાનું સંકટ તેમજ લોકડાઉનમાં આંશિક છુટછાટના નિયમોની નવી માર્ગદર્શિકા સહિતના અનેક કારણોથી સૌરાષ્ટ્રભરના કેટલાક કારખાનાઓ તથા ઉદ્યોગગૃહોમાં દિવસ દરમિયાન નિયત ક્ષમતા જેટલુ ઉત્પાદન થશે કે કેમ ? તેવો સવાલ સૌ કોઈને મુંઝવી રહ્યો છે સિહોર સાથે સૌરાષ્ટ્રભરમાંથી આજદિન સુધીમાં લાખો શ્રમિકો શ્રમિક ટ્રેનમાં તેમજ ખાનગી વાહનોમાં  તેમના વતન જવા રવાના થઇ ગયા છે.

લોકડાઉનના પગલે રોજગારી છીનવાઇ જતા તેઓને રહેવાના અને જમવાના ફાંફા પડી ગયા હતા તેમજ આવનારા દિવસો હજી પણ વધુ કપરા સાબિત થશે તેવા અનુમાન વચ્ચે સિહોર ભાવનગર સહિત રાજયભરમાંથી લાખોથી  વધુ શ્રમિકો ઉત્તરપ્રદેશ, બિહાર, ઓરિસ્સા, છત્તીસગઢ અને ઉત્તરાખંડ તરફ આવેલા તેમના માદરે વતન જતા રહ્યા છે. જેને લઇને સૌરાષ્ટ્રભરમાં આવેલી તમામ ઔદ્યોગિક વસાહતોમાં આગામી દિવસોમાં મજૂરોની ભારે અછત સર્જાવાની પૂરેપુરી શકયતા છે. મજબુત મનોબળવાળા આ કસાયેલા પરપ્રાંતિય મજુરો વગર જીઆઇડીસી સહિતના તમામ ઉત્પાદન એકમો સાથે સંકળાયેલા ઉદ્યોગોની માઠી દશા બેસી જવાની શક્યતાઓ સેવાઈ રહી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here