ટોડી, બુઢણા સહિતના ગામડાઓના ખેડૂતોમાં ચિંતા અને સંકટના વાદળો, સરકારી તંત્રએ કામગીરી હાથ ધરી

હરેશ પવાર
સિહોર સાથે જિલ્લામાં ફરી એક તીડ નામનું સંકટ આવીને ઉભું રહ્યું છે આજે સિહોર તાલુકાના અનેક ગામોમાં તીડનું સક્રમણ જોવા મળ્યું હતું છેલ્લા બે દિવસથી રણતીડે જિલ્લાના કેટલાક ગામમાં આતંક મચાવ્યો છે અને ખેતીના પાકને નુકશાન કર્યુ છે તેથી ખેડૂતો ચિંતીત જોવા મળી રહ્યા છે. આ ઉપરાંત ગઈકાલે સિહોર અને ભાવનગર શહેરમાં પણ તીડ જોવા મળતા લોકોમાં ભયનો માહોલ ફેલાયો છે પરંતુ તીડથી લોકોએ ગભરાવવાની જરૂર નથી તેમ તંત્રએ જણાવેલ છે. રણતીડ જે ગામમાં આવ્યા છે તે ગામમાં દવા છંટકાવ સહિતની કામગીરી સરકારી તંત્ર દ્વારા હાથ ધરવામાં આવી હતી. ખેડૂતોએ થાળીઓ વગાડી તીડ ભગાડવાના પ્રયાસ હાથ ધર્યા હતા અને આ અંગે સરકારી તંત્રને જાણ કરવામાં આવી હતી.

છેલ્લા ત્રણ ચાર દિવસથી તીડોના ઝુંડોએ જિલ્લામાં હડકંપ મચાવી દીધો છે. તીડોના મોટા ઝુંડ ભાવનગર જિલ્લાના ગામડાઓમાં ફરી વળ્યાં હતા. સિહોરમાં પણ ગઇકાલ સાંજે તીડોના ઝુંડ શહેરમાં પ્રવેશી ગામડાઓ તરફ વળી ગયા હતા. સિહોરમાં બુઢણા, મઢડા અને તોડી સહિતના વિસ્તારોમાં તીડોએ તરખાટ મચાવી દીધો હતો. મોટા મોટા તીડોના ઝુંડો ખેતર ઉપર ફરી વળતા ખેડૂતો ચિંતા માં મુકાઈ ગયા હતા. તીડોને ભગાડવા માટે ખેડૂતો દ્વારા થાળીઓ ખખડાવી અને અવાજો કરીને ભગાડી રહ્યા હતા. તીડોના ઝુંડથી ખેડૂતોને નુકશાન ના થાય તે માટે તંત્ર દ્વારા પણ તીડોને ભગાડવા માટે દવાનો છાંટકાવ શરૂ કરવામાં આવ્યો હતો.

તીડનુ રોકાણ થવાની કોઈ સંભાવના રહેતી નથી અને માનવજાતી પર કોઈપણ પ્રકારની અસર કે નુકશાન થવાની શકયતાઓ રહેતી નથી તેથી આ તીડથી શહેરજનોએ ગભરાવવાની કે ડરવાની જરૂર નથી. ખોટી અફવા પર ધ્યાન ન આપવા જિલ્લા ખેતીવાડી વિભાગના અધિકારીએ જણાવેલ છે. ઉલ્લેખનીય છે કે, રણતીડ એ આંતરરાષ્ટ્રીય જીવાત છે કે તેના ટોળા હજારો માઈલ દુરના દેશોમાં જઈ પાકને મોટુ નુકશાન કરતા હોય છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here