આજે પાવન અવસરે દેશની સુખાકારી, સમૃધ્ધિની ઘરે ઘરે પરિવારો દ્વારા દુઆઓ મંગાયાની ઐતિહાસિક ઘટના : ઇદના પાવન અવસરે ઇદગાહ-મસ્જીદો બંધ હોવાના લીધે મુસ્લિમ બિરાદરોએ પોત-પોતાની રીતે ઘરમાં જ રહીને નમાઝ પઢી

બ્રિજેશ ગૌસ્વામી
સિહોર સહિત પંથકમાં આજે મુસ્લિમ સમાજ દ્વારા રમઝાન ઇદની સાદાઇથી ઉજવણી કરવામાં આવી છે. છેલ્લા એક મહિનાથી ચાલી રહેલ રોઝા ગઇકાલે રવિવારે સાંજે પુરા થતા આજે રાબેતા મુજબ ઇદનો દિવસ હતો પણ લોકડાઉનની સ્થિતિ વચ્ચે, કોરોના વાયરસની મહામારીમાં અનેક પ્રતિબંધો લાગૂ હોઇ સર્વત્ર ઇદુલફિત્રની સાદાઇથી ઉજવણી કરવામાં આવી હતી. લોકડાઉનની સ્થિતિ વચ્ચે આખો મહિનો મુસ્લિમ સમાજે ઘરમાં જ રહી ઇબાદત કરી હતી. લોકડાઉનની પહેલાં થી જ મસ્જીદો વિગેરે ધાર્મિક સ્થળો બંધ હોવાના કારણે નમાઝ વિગેરે ઇબાદત ઘરમાંજ કરવાની રહેતી હતી અને રોજીંદી પ્રવૃતિઓ પણ સદંતર ઠપ રહેતા આખો રમઝાન માસ જે તે સહપરિવારે ઘરમાં જ રહી પુરો કર્યો હતો.

એ જ રીતે આજે સવારે મુસ્લિમ સમાજે રમઝાન માસ સુખરૂપ પુર્ણ કર્યા એ બદલ વધારાની નમાઝ પઢીને ખૂદાનો આભાર માન્યો હતો. આ વધારાની નમાઝ પણ મુસ્લિમ બિરાદરોએ ખુશી વ્યકત કરતા ઘરમાંજ પઢી હતી. હાલમાં લોકડાઉન-૪ માં પણ મસ્જીદો બંધ છે અને છેલ્લા બે મહિનાથી મસ્જીદો બંધ જ હોઇ દેશની સુખ-સમૃધ્ધિ – શાંતિ- ભાઇચારાની ઘરે ઘરે પરિવારો દ્વારા દુઆઓ માંગવામાં આવી છે અને કલમ-૧૪૪ લાગુ હોવાના લીધે કયાંય સમૂહ શકય ન હોઇ, સામૂહિક નમાઝ શકય ન હોઇ આવું પ્રથમ વાર બનતા એક ઐતિહાસીક બીના બની છે. એ સાથે -સાથે ‘કોરોના’ મહામારીમાં સાવચેત રહેવ માટે ‘સોશ્યલ-ડીસ્ટેન્સ’નો પણ આપો આપ અમલ થઇ ગયો છે.

બીજી તરફ હાલમાં કાળઝાળ ગરમી વચ્ચે રમઝાન માસ પુરો પસાર થયો છે ત્યારે છેલ્લા ત્રણ વર્ષથી રમઝાન માસના ર૯ રોઝા થતા હતા પરંતુ આ વખતે આ પરંપરા તૂટી હતી અને આકરા તાપ વચ્ચે ૩૦ રોઝા પુરા થયા છે ઉલ્લેખનીય છે કે સિહોર ખાતે ઇદની નમાજ માટે જે ઇદગાહ ગ્રાઉન્ડમાં હજારો લોકો એકઠા થઇને નમાજ અદા કરે છે તે ગ્રાઉન્ડ મેદાન આજના દિવસે સિહોર સુન્નતવલ મુસ્લિમ આગેવાનો દ્વારા બંધ રાખવામાં આવ્યું હતું સંપૂર્ણ સરકારની માર્ગદર્શિકા લોકડાઉનનો અમલ અને તંત્રને સહકાર સાથે લોકોએ ઇદ પર્વની સાદાઇથી ઉજવણી કરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here