અઢી મહિના પછી ધંધા-રોજગાર શરૂ, બજારોમાં ભીડ દેખાઈ, અત્યાર સુધી ઓછા સમયને કારણે ઓછો વેપાર થતો હતો હવે વેપારમાં તેજી આવશેઃ શહેરની બજારની રોનક પાછી ફરશે, પૈસા ફરતા થશે

સંદીપ રાઠોડ – બ્રિજેશ ગૌસ્વામી
રાજ્ય સરકાર દ્વારા આજથી અનલોક-૧.૦ હેઠળ લોકડાઉન હળવુ કરી દેવાતા અને કડક પ્રતિબંધો તથા સમય મર્યાદા વધતા ધંધા-રોજગારની ગાડી ફરી પાટે ચડી છે અને વેપારીઓમાં ખુશાલી ફેલાય ગઈ છે. હવે ખરા અર્થમાં સિહોર શહેર ધમધમી ઉઠયુ છે. અને મેઈન બજારમાં આજે નવી રોનક જોવા મળી હતી. વેપારીઓ પણ તમામ તકેદારીઓ અને સરકારના નિયમોનું પાલન કરીને વેપાર-ધંધા નવેસરથી ભારે ઉત્સાહપૂર્વક શરૂ કર્યા છે સિહોરમાં આજે દરેક વિસ્તારો સાથે બજારોમાં આજે ચહલપહલ જોવા મળી હતી.

ઓડ ઈવન સિસ્ટમનો અંત આવતા તમામ દુકાનો આજે ખુલી ગઈ હતી અને વેપારીઓ ઉત્સાહપૂર્વક કામકાજ શરૂ કર્યા હતા. વડલા ચોક ટોકીઝ મેઈન બજાર આંબેડકર ચોક સોની બજાર દાણાપીઠ મોટા ચોક સહિત ભાવનગર રોડ રાજકોટ રોડ પર ભારે ચહલપહલ જોવા મળી હતી. કટલેરી, ચપ્પલ દુકાનો, કાપડની દુકાનો, શો રૂમ, આઈસ્ક્રીમ પાર્લર, ગેરેજ, ચાની કીટલીઓ, સર્વિસ સેન્ટર વગેરે બધુ ખુલી જતા વેપારીઓએ હાશકારો અનુભવ્યો હતો. સિહોરમા સવારે ૮ થી સાંજે ૮ સુધી વેપાર-ધંધા ચાલુ રાખવાની સરકારે છૂટ આપી હોવાથી વેપારીઓમાં નવા ઉત્સાહનો સંચાર થયો છે. રાત્રીના ૯ થી સવારના ૫ સુધી કર્ફયુ જાહેર કરવામાં આવેલ છે.

વેપારીઓને અત્યાર સુધી ઓડ ઈવન વચ્ચે ૪ વાગ્યા સુધી જ ધંધો કરવાની છૂટ હતી હવે વધુ ૩ કલાક ધંધાની છૂટ મળતા હવે ઘરાકી વધશે તેવો વેપારીઓએ આશાવાદ વ્યકત કર્યો છે. વેપારીઓના કહેવા મુજબ હવે સાંજે પણ રોનક જોવા મળશે તેટલુ જ નહિ બહારગામની ખરીદી પણ નીકળશે. બજારમાં પૈસા ફરતા થશે અને તેનો લાભ બધાને થશે વેપારીઓના જણાવ્યા પ્રમાણે હવે સાંજના સમયે વેપાર-ધંધાની છૂટ મળતા મહિલાઓ પણ બજારમાં ખરીદી કરવા નિકળશે. જો કે વેપારીઓ સોશ્યલ ડીસ્ટન્સ અને સરકારે ઘડેલા નિયમોનુ પાલન કરી વેપાર-ધંધા કરી રહ્યા છે બજારોમાં ફરી રોનક જોવા મળી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here