સિહોરમાં મોતના સામાન બન્યા જર્જરિત મકાનો, જાનહાની પછી જ તંત્ર નિંદ્રામાંથી જાગશે?

આખું તંત્ર કોવિડનમાં જોતરાયું છે ચોમાસા દરમ્યાન અિત જર્જરિત બિલ્ડિંગો ધરાશાયી થાય તે પહેલા તોડી પાડવા તંત્ર તાકીદે પગલા ભરે

દેવરાજ બુધેલીયા
ઉનાળો પૂર્ણ થવાને આરે છે ઉત્તરાર્ધના દિવસો ચાલી રહ્યા છે. ભીમ અગિયારશ ગઇકાલે પુરી થઈ ગઈ છે લોકો સારા વરસાદની અપેક્ષા રાખતા હોય છે. આગામી થોડા દિવસોમાં વાવણી લાયક સારો વરસાદ થઇ જશે એવું ધરતીપુત્રો માની રહ્યા છે. બીજી તરફ ચોમાસુ પગમાં આવી ગયું હોવા છતાં સિહોરમાં મોતના સામાન સમાન બિલ્ડિંગને તોડી પાડવા માટે તંત્ર નિદ્રાધીન હોય એવું લાગી રહ્યું છે સિહોરના અનેક વિસ્તારોમાં જર્જરિત મકાનો અને તોતિંગ ઝાડ ધરાશાઈ થાય તેવી દહેશત ઉભી છે.

સિહોરના અસંખ્ય વિસ્તારોમાં અને જર્જરિત મકાનો તેમજ તોતિંગ ઝાડ આવેલા છે જે વરસાદ અને ભારે પવનના કારણે જાનહાનિ કરી શકે તેમ છે ત્યારે ચોમાસું નજીક છે વરસાદે દસ્તક દીધા છે અને જાનહાનિ સર્જવાના એંધાણ વર્તાઈ રહ્યા છે ખાસ કરીને જૂના સિહોરમાં જૂની મામલતદાર કચેરી, અને જૂનું પોલીસ સ્ટેશન સહીતના બિલ્ડિંગો જર્જરીત હાલતમાં છે. મામલતદાર કચેરી ભાવનગર રોડ પર અને પોલીસ સ્ટેશન વડલા ચોક પાસે ખસેડવામાં આવતા આ કચેરીઓ સાવ સુમસામ બની ગઇ છે.

સમય જતાં આ બિલ્ડિંગો હવે સાવ જર્જરીત બની ગઇ છે. હવે આ બિલ્ડિંગો કયારે ધરાશાઇ થઇ જાય એનું કાંઇ નકકી નહીં. જેને કારણે આ વિસ્તારમાં રહેતા લોકોમાં ભયનો માહોલ સર્જાયો છે. આ બિલ્ડિંગોની આસપાસ રહેણાંકી વિસ્તારો આવેલા છે. આ વિસ્તારના બાળકો અહીં રમતા હોય છે. વાહનોની સતત અવરજવર રહેતી હોય છે. જેને કારણે અહીં ગમે ત્યારે અકસ્માત સર્જાઇ શકે તેમ છે. તેમજ આ જૂની બિલ્ડિંગોમાં અસામાજિક તત્વોનો અડ્ડો થઇ ગયો છે. આ વિસ્તારના રહીશો સતત ભયના ઓથાર તળે રહેતા હોય, સિહોર નગરપાલિકા દ્વારા આ જૂના અને જર્જરીત બિલ્ડિંગો સત્વરે પાડી દેવામાં આવે તેવી આ વિસ્તારના રહીશોની પ્રબળ લોકમાંગ ઊઠવા પામી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here