મીની વાવાઝોડુ: સિહોરમાં રાત્રે સુસવાટા મારતા પવન અને વાઝડી સાથે વરસાદ, બજારોમાં પાણી વહેતા થયા

બ્રિજેશ ગૌસ્વામી
સિહોર શહેર અને જિલ્લામાં શુક્રવારે આખો દિવસ બફારા સાથે તડકો રહ્યા બાદ રાત્રે ૧૧ વાગ્યા આસપાસ વાતાવરણમાં પલટો આવ્યો હતો અને ગાજવીજ અને તોફાની પવન સાથે વરસાદ વરસવાનો આરંભ થયો હતો. શનિ, રવિ અને સોમવાર ત્રણ દિવસ ભારે વરસાદની આગાહી વચ્ચે રાત્રે ભારે પવન અને ૧૫ મી.મી વરસાદ સાથે એક જુન પછી આ બીજી ત્રીજી વખત વાઝડી સાથે વરસાદ શહેરમાં વરસ્યો છે.

શુક્રવારે રાત્રે એક તબક્કે તો ઝંઝાવાતી પવન ફૂંકાતા વાહન ચલાવવા પણ મુશ્કેલ થઇ ગયા હતા અને પવનને લીધે વાહનો પાછા પડે એટલો તોફાની પવન ફૂંકાયો હતો. વરસાદને લીધે શહેરના કેટલાક વિસ્તારોમાં વીજળી ગુલ થઇ ગઇ હતી. સિહોર સાથે ભાવનગર ઉપરાંત ઘોઘા અને વલભીપુરમાં પણ રાત્રે એક કલાક વીજગર્જના સાથે વરસાદ વરસી ગયો હતો. સાંજ સુધી વરસાદ વરસે તેવું કોઇ વાતાવરણ હતું નહીં પણ રાત્રે ૧૧ કલાક આસપાસ માહોલ જામ્યો હતો અને તોફાની પવન, ગાજવીજ સાથે વરસાદ વરસવો શરૂ થયો હતો.

બંગાળની ખાડી પર સર્જાયેલી હળવા દબાણની સિસ્ટમને કારણે આગામી ત્રણ દિવસ ગુજરાતમાં વ્યાપક‌ પ્રમાણમાં વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.  શનિવાર અને રવિવાર બન્ને દિવસ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી સૌરાષ્ટ્રના ભાવનગર સહિતના દરિયા કાંઠાના વિસ્તારોમાં કરવામાં આવી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here