રાહતની રાહ જોતા લોકોને સપ્તાહથી રોજ રાત્રે અપાતા ઈંધણના ભાવધારાના ઝટકાં

દેવરાજ બુધેલીયા
કોરોના મહામારી અટકવાનું નામ લેતી નથી અને તેથી વધુ નોકરી-ધંધા છિનવાતા અત્યંત કફોડી હાલતમાં ઘેરાયેલા ગરીબ અને મધ્યમવર્ગના નાગરિકો વિવિધ માધ્યમોથી રૂ।.૨૦ લાખ કરોડ, ગુજરાતમાં રૂ।.૧૪ હજાર કરોડ અને એક લાખની લોન જેવા સહાય પેકેજથી કંઈક રાહત મળે તેવો ઈંતજાર કરી રહ્યા છે અને સરકારી રાહત નહીં તો ઉદ્યોગ ધંધા ધમધમે અને નાણાભીડ ઓછી થાય તે માટે આશા સેવી રહ્યા છે.

ત્યારે બીજી તરફ લોકો પર તા.૭ જૂનથી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં રોજ રાત્રે પચાસ પૈસા, ગઈકાલે ૭૫ પૈસાનો ભાવવધારો ઝીંકીને ઘા પર મલમપટ્ટાને બદલે ડામ દેવાનો સિલસિલો જારી રખાયો છે. ઉંચા ટેક્સના કારણે રૂ।.૭૧ નજીક પહોંચી ગયું છે. આજે પેટ્રોલ રૂ।.૭૦.૭૫ અને ડીઝલ રૂ।.૬૮.૮૭એ પહોંચ્યું છે, આવનારા દિવસોમાં કેટલું વધશે તેની કોઈ લિમિટ સરકારે જાહેર કરી નથી.

આ ભાવવધારો અન્યાયી એટલા માટે છે (૧) કોરોનાને કારણે લોકોની કથળેલી આર્થિક હાલત છે અને આ ભાવવધારો ગરીબ,મધ્યમવર્ગને તાત્કાલિક અસર કરે છે (૨) ઈંધણના ભાવવધારાની અસર એકંદરે મોંઘવારી પર પડતી હોય છે તેથી મંદીમાં મોંઘવારીનું વિષચક્ર શરૂ થાય છે (૩) ખુદ રાજ્ય સરકારની પણ આવક ઘટી છે ત્યારે તેના પર પણ બોજ વધે તેમ છે (૪) આંતરરાષ્ટ્રીય ક્રૂડનો ભાવ અગાઉના વર્ષોની સાપેક્ષે ઘણો નીચો છે એટલે સરકારને કોઈ  નુક્શાન નથી. (૫) વાહનો વાપરવા તે મોજશોખની વસ્તુ નથી, ઘર નજીક રોજગારી નથી, આમ પેટ્રોલ-ડીઝલનો ભાવ વધારો સામાન્ય લોકોના ગજવાને સીધો અસર કરે છે અને આવા કાળમાં તો તે કોઈ કાળે ન વધારવો જોઈએ.હાલ ભાવવધારા માટે તદ્દન અયોગ્ય સમય છતાં ભાવ વધારાઈ રહ્યા છે? આ સવાલ લોકોમાં જન્મ્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here