અનલોક વન પછી હવે ટુ : લોકડાઉન પછી અનલોક વર્ઝન આવ્યું

મિલન કુવાડિયા
અનલોક-ટુ પ્રમાણે લગભગ બધું જ ખુલી ગયું છે. રેસ્ટોરન્ટ , જિમ અને મોલ પણ હવે ચાલુ થઈ ગયા છે નિયમો સાથે ધાર્મિક સ્થળો ખોલવાની મંજૂરી પણ સરકારે આપી છે. રાત્રીના આઠ વાગ્યા સુધી દુકાનો ખુલ્લી રહેશે અને દસ વાગ્યા પછી કરફ્યુ લાદવામાં આવશે. આ બધા નિયમોનો અર્થ એ થયો કે સુપર સ્પ્રેડર બની શકે એવા જાહેર સ્થળો ખુલી ગયા છે અને કોરોના અભૂતપૂર્વ તાકાતથી મોટો ભરડો લઈ શકે છે. એક સમય હતો જ્યારે જનતા કરફ્યુને કારણે કોરોના વાયરસના સંક્રમણની સાંકળ તૂટી જશે એવી ગેરમાન્યતા લોકોમાં વ્યાપ્ત થઈ હતી.

તેના પછીના એકવીસ દિવસના લોકડાઉન દરમિયાન બહુધા ભારતીય પ્રજા એ ભ્રમમાં રહી કે મહિના દિવસની અંદર કોરોના લુપ્ત થશે અને આપણે ફરી હતી એ જ જિંદગી અને એ જ ટહૂકા કરતાં થઈશુ. કેસો વધતા ગયા પણ સાથે સાથે સરકારની પ્રશંસા પણ થતી ગઇ. લોકડાઉન ક્રમ બેમાં પણ ઠગારા આશાવાદનો આ જ સિલસિલો ચાલુ રહ્યો. બીજા દેશોની સરખામણીના ભારતના કોરોના સંક્રમણનો દર બહુ ઓછો હતો. મૃત્યુઆંક પણ ઘણો ઓછો હતો. અમેરિકા જેવી મહાસત્તા કરતા કોરોનાએ ભારતમાં ઓછી તારાજી ફેલાવી હતી.

લોકોને ભારત પ્રત્યે અને કેન્દ્ર સરકાર પ્રત્યે ગૌરવ વધવા લાગ્યું. અસલી ચિત્ર ત્રીજા લોકડાઉન સાથે સ્પષ્ટ થતું ગયું. લોકડાઉનનો બ્લેકહોલ અને કોરોના વાયરસની ભયંકર ગંભીરતા દેશને છેક ત્યારે સમજાઈ. એક વાયરસ જિંદગી અને મૃત્યુ વચ્ચે ઝોલા ખવડાવી શકે છે અને જો ચેપ ન લાગે તો પણ એ જ વાયરસને કારણે પૈસેટકે ખુવાર થવું પડે એમ છે. દેશને ટકાવી રાખવા માટે ધંધો-વ્યાપાર-રોજગારના ચક્રો ગતિમાન થાય તે અનિવાર્ય હોય છે. માટે અનલોકની ઘોષણા કરવી પડી. ભારતની મોટા ભાગની પ્રજા અનલોકની ઘોષણાપત્રને કારણે ખુશ છે.

જાણે વનવાસ જેવો ઘરમાં પુરાઈ રહેવાનો ઘરવાસ સમાપ્ત થયો. ભારતમાં સંક્રમણનો વેગ અને સંક્રમિતોની સંખ્યા ખૂબ વધી ગઈ છે અને ચેપદર વધતો જાય છે.જો દેશની પ્રજા ધ્યાન નહીં રાખે તો કોરોનાની ઝપટમાં દેશનો મોટો હિસ્સો આવી શકે છે. લાખો પોઝિટિવ કેસ થઈ શકે છે. જો સ્વયંશિસ્ત જાળવવામાં નહીં આવે તો કોરોનાના ફેલાવાની બાબતમાં હિન્દુસ્તાન ચીન, ઇટાલી અને અમેરિકા કરતા પણ વધુ મુશ્કેલીમાં આવી શકે એમ છે. હવે દેશનો આધાર પ્રજાની શિસ્ત પર છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here