વિપક્ષના મુકેશ જાનીએ કહ્યું કોન્ટ્રાકટરના પાપે શહેરની જનતાની મુશ્કેલીઓનો પાર નથી, અનેક વિસ્તારોમાં લાઈટ બંધ છે, શાસકોની અણઆવડત કારણે પ્રજા ત્રાહિમામ છે

બ્રિજેશ ગૌસ્વામી
સિહોરની જનતા ભર ચોમાસે મોટાભાગના વિસ્તારમાં સ્ટ્રીટ લાઈટ બંધ હોવાને કારણે હેરાન પરેશાન થઈ ગઈ છે. સિહોર શહેરમાં સ્ટ્રીટલાઈટમાં ટયૂબલાઈટ ફીટ કરેલ હોય પાલિકાને વીજબિલનો પારાવાર ખર્ચ થતો હતો જે વિજખર્ચને બચાવવા સિહોર પાલિકા દ્વારા શહેરની સ્ટ્રીટલાઈટોની જાળવણી તેમજ મેન્ટેનન્સ માટે જે તે કંપનીને ૭ વર્ષનો કોન્ટ્રાક્ટ આપી દેવામાં આવ્યો છે. જે અનુસંધાને આ કંપનીએ શહેરમાં એલઈડી લેમ્પ સ્ટ્રીટલાઈટમાં ફીટ કર્યા છે. આથી હાલની સ્થિતિમાં સિહોર શહેરના અનેક વિસ્તારોમાં એલઈડી લેમ્પ બંધ હાલતમાં છે. આ વિસ્તારની જનતા ભર ચોમાસે અંધારામાં ઠેબા ખાય છે.

આ અંગે તંત્ર વાહકોને પુછવામાં આવતા તે કોન્ટ્રાક્ટરનો વાંક કાઢે છે અને કોન્ટ્રાક્ટર પાલિકાના તંત્રનો વાંક કાઢે છે. આમ બન્ને એકબીજાની ખો કાઢી જવાબદારીમાંથી છટકી રહ્યા છે અને ચોમાસાની ઋતુમા મચ્છર, ઝેરી જીવજંતુનો પણ ત્રાસ વધી જતો હોય અને ન કરે નારાયણને કોઈને કંઈ થાય તો જવાબદાર કોણ ? ઉપરાંત કોન્ટ્રાક્ટ લેનાર કંપનીની મેઈન્ટેનન્સ જવાબદારી હોવા છતા રીપેરીંગ ન થતા લોકોમાં તંત્ર પ્રત્યે રોષની લાગણી ફેલાઈ છે. તેમજ પાલિકાના સત્તાવાળાઓએ જ ખાનગી કંપનીને સ્ટ્રીટલાઈટની જવાબદારી તેમજ મેઈન્ટેનન્સની જવાબદારી સાથે ૭ વર્ષનો કોન્ટ્રાક્ટ આપ્યો હોય તો પાલિકા તંત્રવાહકોએ પણ કોન્ટ્રાક્ટરને આ બાબતે યોગ્ય કરવા ધ્યાન દોરવું પડે તેવું શહેરના નગરજનો ઈચ્છી રહ્યા છે.

મોટાભાગના વિસ્તારોમાં સ્ટ્રીટલાઈટો બંધ રહેતા અંધારાના ઓળો ઉતર્યા છે. આમજનતાને સ્પર્શતી સુવિધાના મામલે ધબો નારાયણ જેવી સ્થિતી પ્રવર્તી રહી છે. પાણી, ગટર, સ્વચ્છતા સહિતની વિવિધ સમસ્યાનો સામનો કરતી સિહોરની જનતાને ગામમાં સ્ટ્રીટલાઈટો બંધ રહેતા અંધારાનો સામનો કરવો પડે છે સમગ્ર મામલે વિપક્ષના મુકેશ જાનીએ રોષ વ્યકત કર્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here