સિહોરમાં ચોમાસામાં ફરી રખડતા ઢોરનો ત્રાસથી પ્રજા ત્રાહિમામ, દર વર્ષે ચોમાસામાં ઢોરની સમસ્યા યથાવત

રાહદારીઓ અને વાહન ચાલકો ત્રાહિમામ, ઢોરના પ્રશ્ને આંખ આડા કાન કરતુ પાલિકા, કડક કાર્યવાહી કરવી જરૂરી

દેવરાજ બુધેલીયા
દર વર્ષે ચોમાસામાં વરસાદ શરૂ થતા જ સિહોર શહેરના રોડ પર રખડતા ઢોરનો ત્રાસ વધી જતો હોય છે અને રખડતા પશુઓ અડીંગો જમાવી રોડ પર બેસી જતા હોય છે તેથી વાહન ચાલકો ત્રાહિમામ પોકારી ઉઠતા હોય છે પરંતુ આ બાબતે પાલિકા દ્વારા આંખ આડા કાન કરવામાં આવી રહ્યા છે. ઢોરના પ્રશ્ને કોઈ કડક કાર્યવાહી કરવામાં નહી આવતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. શહેરમાં છેલ્લા દિવસોથી વરસાદી વાતાવરણ છે વરસાદી ઝાપટાઓ વચ્ચે રખડતા પશુઓ રોડ પર આવીને બેસી જતા હોય છે.

તેથી વાહન ચાલકોને રોડ પરથી પસાર થવુ મૂશ્કેલ બને છે. દર વર્ષે ચોમાસામાં આ સમસ્યા જોવા મળે છે અને લોકો પરેશાન થાય છે. રખડતા ઢોરના પ્રશ્ને વારંવાર રજુઆત થયા બાદ તંત્ર જાગે છે અને દેખાડા પુરતી કામગીરી કરવામાં આવતી હોય છે. ગત શુક્રવારે બે આખલાના બખેડામાં એક વૃદ્ધે પોતાનો જીવ ગુમાવ્યો છે ત્યારે તંત્રએ આજ સુધી કાર્યવાહી કરી નથી જેને કારણે લોકોમાં રોષ વ્યાપ્યો છે.

શહેરના અનેક વિસ્તારમાં રોડ પર ઢોર અડીંગો જમાવી બેસેલા જોવા મળે છે તેથી વાહન ચાલકો મુંઝવણમાં મુકાય છે ત્યારે પરિણામલક્ષી કામગીરી થાય તેવુ જાગૃત લોકો ઈચ્છી રહ્યા છે. ઢોરના પગલે રોડ પર અકસ્માતની ભીતિ રહેલી છે ત્યારે પાલિકાએ તત્કાલ રખડતા ઢોર પકડવાની કામગીરી શરૃ કરવી જરૂરી બની રહે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here