સિહોર સાથે રાજ્યમાં ૧ ઓગસ્ટથી રાત્રે ૧૦ સુધી રેસ્ટોરન્ટ ચાલુ રાખી શકાશે, રાત્રી કર્ફ્યૂમાંથી સંપૂર્ણ પણે મુક્તિ

બ્રિજેશ ગૌસ્વામી
અનલૉક ૩ અંતર્ગત હવે સિહોર સહિત જિલ્લા અને ગુજરાતમાં ૧ ઓગસ્ટથી રાત્રે ૧૦ સુધી રેસ્ટોરન્ટ ચાલુ રાખી શકાશે. અગાઉ અનલૉક -૨માં રાત્રે ૯ સુધી જ રેસ્ટોરન્ટ ચાલુ રાખી શકાતી હતી. આ ઉપરાંત ૫ ઓગસ્ટથી જીમ અને યોગ સેન્ટર પણ ચાલુ કરવા મંજૂરી અપાઈ છે. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના અધ્યક્ષ સ્થાને અને નાયબ મુખ્યમંત્રી નીતિન ભાઈ પટેલની ઉપસ્થિતિમાં મળેલી ઉચ્ચ સ્તરીય બેઠકમાં અનલૉક ૩ સંદર્ભમાં ભારત સરકારે જાહેર કરેલી ગાઈડ લાઇન્સના અનુસંધાને ગુજરાત માટે કેટલાક મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા છે.

આ બેઠકમાં લેવાયેલા નિર્ણયો અનુસાર મુખ્યમંત્રીએ રાજ્યમાં ૧ ઓગસ્ટથી રાત્રી કર્ફ્યૂમાંથી સંપૂર્ણપણે મુક્તિ આપવાની જાહેરાત કરી છે. રાજ્યમાં દુકાનો ૮ વાગ્યા સુધી તેમજ હોટલ રેસ્ટોરન્ટ રાત્રે ૧૦ વાગ્યા સુધી ચાલુ રાખી શકાશે. કેન્દ્ર સરકારની માર્ગદર્શિકા અને એસ ઓ પી મુજબ રાજ્યમાં જીમ અને યોગ સેન્ટર 5મી ઓગસ્ટથી ખોલી શકાશે. આ સિવાયની અન્ય બાબતો માટે કેન્દ્ર સરકારની પ્રવર્તમાન ગાઈડ લાઇન્સને રાજ્ય સરકાર અનુસરશે એમ પણ બેઠકમાં નિર્ધારિત કરવામાં આવ્યું હતું.

આ બેઠકમાં મંત્રી કૌશિક ભાઈ પટેલ મંત્રી સૌરભ ભાઈ પટેલ રાજ્ય મંત્રી પ્રદીપસિંહ જાડેજા મુખ્ય સચિવ અનિલ મુકીમ ગૃહના અધિક મુખ્ય સચિવ સંગીતા સિંહ તેમજ મુખ્ય મંત્રીના અગ્ર સચિવ મનોજ કુમાર દાસ વગેરે જોડાયા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here