સિહોર સહિત જિલ્લાની પ્રજાએ ભાતીગળ લોકમેળાના આનંદથી વંચિત રહેવુ પડશે

કોરોના ઈફેકટના કારણે આ વર્ષે ઉજવણીની રોનક અગાઉ જેવી નહિ હોય !

દેવરાજ બૂધેલીયા
સિહોર સહિત ગોહિલવાડમાં આગામી તા. ૭ ઓગષ્ટને શુક્રવારથી બોળચોથના પાવનકારી પર્વથી પવિત્ર સાતમ-આઠમના શ્રાવણીયા લોકપર્વની ઉજવણીનો પરંપરાગત રીતે હર્ષોલ્લાસભેર શુભારંભ થશે. જો કે, આ વર્ષે કોરોના વાયરસના સંક્રમણનો કહેર યથાવત હોય ઉત્સવની ઉજવણીની રોનક ગત વર્ષો જેવી નહી હોય. ઉત્સવપ્રિય સિહોરમાં શુક્રવારથી સાતમ આઠમના તહેવારો ઉજવાશે. આ વર્ષે આ તહેવારો દરમિયાન લોકોને પરંપરાગત સાતમ આઠમના ભાતીગળ લોકમેળાના અનેરા આનંદથી વંચિત રહેવુ પડશે.

ઉત્સવો અને ભાતીગળ લોકમેળાઓ આપણી ભારતીય સંસ્કૃતિનું એક વધુ અવિભાજય અંગ હોય આ પર્વ સમુહની ઉજવણીનો આનંદ જ કંઈક ઔર હોય છે. અને અત્ર, તત્ર અને સર્વત્ર તહેવારોની હરખભેર ઉજવણીનો માહોલ છવાઈ જશે. તા.૭.૮ ને શુક્રવારથી સાતમ-આઠમના તહેવારોની ઉજવણી શરૃ થશે.તા. ૭ ને શુક્રવારે શ્રાવણ વદ ચોથના પર્વે તમામ સૌભાગ્યવતી ગૃહિણીઓ બાજરાનો રોટલો અને મગ ખાઈને બોળચોથની ભાવ અને ભકિતભેર ઉજવણી કરશે. અત્રે એ નોંધનીય છે કે, આ દિવસે  છરી કે ચપ્પુથી કાપ્યા વગરનુ હોય તેવા ફળ કે ફ્રુટ જેવા કે, મૂળા,કેળા કે કાકડી વગેરે ભોજનમાં ઉપયોગમાં લેશે.

તા. ૮ ને શનિવારે નાગપંચમીનુ પર્વ ઉજવાશે. વાડી અને ખેતરમાં જગતના તાત ખેડૂતોએ મહામહેનતે ઉછેરેલ ધાન્ય, પાકનું રક્ષણ કરનાર નાગદેવતાને તલવટની પ્રસાદી બહેનો દ્વારા ભાવભેર ધરાશે. જયારે આ વર્ષે તા.૯ અને ૧૦  રવિવાર અને સોમવાર બે રાંધણ છઠ હોય ગૃહિણીઓ પરિવારની અન્ય મહિલાઓ સાથે સાતમના  દિવસે ટાઢુ ભોજન લેવાનુ હોય આગલા દિવસે મીઠાઈ અને ફરસાણ બનાવવામાં વ્યસ્ત જણાશે. તા. ૧૧ ને મંગળવારે શીતળા સાતમનો તહેવાર ઉજવાશે. આ પર્વે બહેનો શીતળામાતાજીની પૂજા અર્ચના કરી ટાઢુ ભોજન આરોગશે.

જયારે આગામી તા.૧૨ ને  બુધવારે રાત્રીના ૧૨ કલાકે તમામ મંદિરો, હવેલીઓ, ઠાકરદ્વારાઓમાં નંદ ઘેર આનંદ ભયો જય કનૈયાલાલ કીના ગગનભેદી નારાઓ સાથે ભગવાન શ્રીકૃષ્ણના પ્રાગટયોત્સવની હર્ષોલ્લાસભેર ઉજવણી કરાશે અને ચોતરફ જન્મોત્સવના વધામણા થશે.જયારે તા.૧૩ ને ગુરુવારે પારણાનોમના પર્વે  હવેલીઓ,મંદીરોમાં નંદ મહોત્સવની સાદગીભેર ઉજવણી કરાશે. આમ, શુક્રવારથી ગોહિલવાડ સાતમ આઠમના  તહેવારોના રંગમાં હરખભેર રંગાઈ જશે. બલકે આ વર્ષે તહેવારોની ઉજવણીનો રંગ અને ઉમંગ અગાઉના વર્ષોની જેવો નહિ હોય.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here