સિહોર શહેર અને પંથકમાં સાતમ-આઠમનાં તહેવારોનો ઉલ્લાસ: કાલે રાંધણ છઠ્ઠ

ગૌતમ જાદવ
સાતમ-આઠમના તહેવારોની શ્રૃંખલાનો પ્રારંભ થઈ ચુકયો છે. આજે નાગદાદાની પૂજા-અર્ચના અને ભકતોએ આ વ્રતનાં ઉપવાસ સાથે આરાધના કરી હતી. આ વખતે ઘરે રહીને જ તહેવારોની ઉજવણીનો આનંદ સિહોરવાસીઓ માણી રહ્યા છે આવતીકાલે ઘરે ઘરે સ્વાદિષ્ટ ફરસાણ અને મધમધતી મિઠાઈનાં તાવડા મુકાશે અને રાંધણ છઠ્ઠ મનાવાશે. આજે નાંગ પાંચમની ઉજવણી સાથે ગઈકાલથી સિહોર શહેર અને તાલુકાભરમાં શ્રાવણિયા તહેવારો સાતમ-આઠમ માટે ભારે ઉલ્લાસ જોવા મળી રહ્યો છે. વિશ્ર્વભરમાં આવી પડેલ વિપદા કોરોના મહામારીના કારણે લોકમેળા બંધ રાખવામાં આવશે પરંતુ તહેવાર રસિયાઓએ ઘરબેઠા જ ઉજવણી કરી શકાય એવી નવી રીત શીખી લીધી છે.

ઘેર વ્યંજન બનાવવાથી લઈને પરિવાર સાથે ગેમ્સ રમવા સુધીની અવનવી તરકીબો અજમાવતા લોકો જોવા મળ્યા છે. પૌરાણિક માન્યતા અનુસાર નાંગ પાંચમના દિવસે સ્ત્રીઓ બાજરાના લોટની કુલેર, મગ અને બાજરાનો રોટલો ખાઈને એકટાણું કરે છે ઘરે પાણિયારે નાગદેવતાનું ચિત્ર બનાવીને ઘરે જ પૂજન કરે છે. વાતર્ઓિ સાંભળે છે. આ દિવસે સ્ત્રીઓ મંદિરે નાગદેવતાના દર્શન કરવા જતી હોય છે પરંતુ આ વર્ષે કોરોનાની મહામારીના કારણે સ્ત્રીઓ ઘરે જ ઉજવણી કરતી જોવા મળી છે. પોતાના પરિવાર સાથે નાગદેવતાનું ઘરે પૂજન કરી અને નાગપાંચમની ઉજવણી કરવામાં આવી છે.

આવતીકાલે રાંધણ છઠના દિવસે દરેક ઘરોમાં ચુલા મંડાય છે અને અવનવા પકવાન બને છે જો કે, આ પરંપરા છેલ્લા કેટલાક વર્ષોથી બદલાઈ ગઈ હતી ઘરે ફરસાણ અને મિષ્ટાન બનાવવાના બદલે લોકો બહારના નાસ્તા લાવવાનું વધારે પસંદ કરતા હતા. જો કે આ વર્ષે કોરોનાએ આપણા જીવનમાં કરેલા અનેક ફેરફારમાં એક ફેરફાર આ પણ છે કે આ વર્ષે લોકો બહારથી નાસ્તા લાવવાના બદલે ઘરે જ શુધ્ધ અને સાત્વિક નાસ્તા બનાવવાનું પસંદ કરે છે.

મોતીચુરના લાડુ, ગુંદીના લાડુ, મોહનથાળ, મૈસુરપાક, કોપરાપાક, સેવ ગાઠિયા, ચકરી, મેંદાની પુરી, સક્કરપારો અને ચેવડા જેવા પારંપારિક નાસ્તા સાથે નાયોસચીપ્સ વીથ સાલસા સોસ, રોસ્યેડ ગ્રેઈન્સ જેવા વિદેશી અને હેલ્ધી નાસ્તાઓ ભારતીય રસોડામાં સ્થાન લઈ ચુકયા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here