સિહોરમાં સૌથી ઓછો, મહુવામાં ૯૨ અને ભાવનગરમાં ૭૪ ટકાથી વધુ વરસાદ

ગૌતમ જાદવ
હાલની ચોમાસાની ચાલુ સિઝનમાં સિહોરમાં સૌથી ઓછો અને મહુવામાં મેઘરાજા ધીમી ધારે મહેરબાન થયો છે અને ભાવનગર બીજા ક્રમે ધકેલાયું હતુ. શહેર અને જિલ્લામાં અસાઢમાં ખાસ મેઘમહેર થઈ નથી પરંતુ  શ્રાવણ માસમાં મેઘરાજા સતત ધીમી ધારાએ મહેર વરસાવતા રહેતા ચોમાસુ આગળ ધપી રહ્યું છે અને જિલ્લામાં 58 ટકા વરસાદ વરસી ગયો છે જેમાં મહુવામાં 92 ટકા સાથે સૌથી વઘુ વરસાદ વરસ્યો છે તો સૌથી ઓછો વરસાદ સિહોરમાં નોંધાયો છે જ્યારે ભાવનગર શહેરમાં પણ 75 ટકા વરસાદ તંત્રના ચોપડે નોંધાયો છે.

અષાઢ માસમાં ભાવનગરવાસીઓને મેઘમહેરમાં નિરાશ કર્યા બાદ શ્રાવણમાં મેહુલીયો આશીર્વાદરૂપ વરસાદ વરસાવી રહ્યો છે. ભાવનગર જિલ્લામાં વર્ષનો સરેરાશ વરસાદ 595 મી.મી. છે તેની સામે આજ સુધીમાં 338 મી.મી. એટલે કે 56.83 ટકા વરસાદ વરસી ગયો છે. જેમાં સૌથી વધુ વરસાદ મહુવામાં 556 મી.મી, બીજા ક્રમે ભાવનગર શહેરમાં 520 મી.મી.વરસાદ વરસી ગયો છે. જ્યારે સિહોરમાં માત્ર 181 મી.મી. વરસાદ વરસ્યો છે. મેઘમહેરમાં ભાવનગર આગળ હતું પરંતુ ગઈકાલે મહુવા પર મેઘો ઓળઘોળ થતા મહુવા પ્રથમ ક્રમે પહોંચ્યું છે!

ભાવનગર શહેરમાં આજ સુધીમાં 521 મી.મી. વરસાદ વરસી ગયો છે. શહેરમાં વરસાદની વાર્ષિક એવરેજ 689 મી.મી.ની છે એટલે અત્યાર સુધીમાં 75.57 ટકા વરસાદ વરસી ગયો છે. જ્યારે મહુવામાં વરસાદની વાર્ષિક એવરેજ 604 મી.મી. છે તેની સામે અત્યાર સુધીમાં 556 મી.મી. વરસાદ વરસી જતાં 92.02 ટકા વરસાદ વરસી ગયો છે. જ્યારે સૌથી ઓછો વરસાદ સિહોરમાં માત્ર 181 મી.મી. વરસ્યો છે. સિહોરમાં વરસાદની વાર્ષિક સરેરાશ 622 મી.મી.ની છે એટલે અત્યાર સુધીમાં માત્ર 28.80 ટકા જ વરસાદ વરસ્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here