કોરોનાની બીજી લહેર નરમ પડતા સરકારી ગાઈડલાઈન અનુસાર શાળાઓ ઓફલાઇન શરૂ થતા શિક્ષકો અને વિદ્યાર્થીઓ ફરી અભ્યાસકાર્યમાં વ્યસ્ત થયા 

બ્રિજેશ ગોસ્વામી
કોરોના મહામારીના કારણે નવા શૈક્ષણિક સત્રની ઓનલાઈન શરૂઆત થયા બાદ હવે કોરોનાની બીજી લહેર નરમ પડતા સરકાર દ્વારા સોમવારથી ધો.૯ થી ૧૧ના વર્ગોને સરકારની એસઓપીના પાલન સાથે અનલોક કરવાનું કહેતા સિહોર સાથે તાલુકાની વિવિધ શાળાના કેમ્પસ વિદ્યાર્થીઓની ચહલ-પહલથી ધમધમતા જોવા મળ્યા હતા. લાંબા સમય બાદ શાળામાં વિદ્યાર્થીઓ એકત્ર થતા વિદ્યાર્થીઓએ મિત્રવર્તુળને મળી આનંદ વ્યક્ત કર્યો હતો. કોરોના મહામારીના કારણે ગત વર્ષે શિક્ષણ કાર્ય ઠપ્પ થઈ ગયું હતું. દરમ્યાન ચાલુ વર્ષે જાન્યુઆરી માસમાં કોરોનાના કેસો ઘટતા સરકાર દ્વારા ધો.૧૦ તથા ૧૨ના વર્ગોમાં શિક્ષણ કાર્ય શરૂ કરવાની પરવાનગી આપી હતી. જો કે માર્ચ માસમાં કોરોનાની બીજી લહેર વધુ ઘાતક બનતા પુનઃ એકવાર ઓનલાઈન શિક્ષણ કાર્ય ચાલ્યું હતું.

દરમ્યાન જૂન માસના અંતિમ સપ્તાહથી કોરોનાની બીજી લહેર મંદ પડતા તા.૧૫મી જુલાઈના રોજથી ધો.૧૨ તેમજ કોલેજોમાં ઓફલાઈન શિક્ષણની શરૂઆત કરાઈ હતી. દરમ્યાન સરકાર દ્વારા ખાસ ગાઈડલાઈન બહાર પાડી આજથી ધો.૯ થી ૧૧ના વર્ગોમાં શિક્ષણ કાર્યો શરૂ કરાયું છે. જે મુજબ સિહોર સહિત તાલુકાની વિવિધ માધ્યમિક શાળાઓમાં એસઓપીના પાલન સાથે વર્ગશિક્ષણ કાર્ય શરૂ થયું હતું. વિવિધ શાળાના સંચાલકો દ્વારા વર્ગખંડમાં વિદ્યાર્થીઓ વચ્ચે સોશ્યલ ડીસ્ટન્સ જળવાય તે અંગે ખાસ તકેદારી રખાઈ હતી. લાંબા સમય બાદ વિદ્યાર્થીઓએ વર્ગખંડોમાં ઓફલાઈન શિક્ષણ મેળવતા વિદ્યાર્થીઓ તેમજ શિક્ષણગણમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. લાંબા સમય બાદ મિત્રવર્તુળ તથા ગુરૂજનો સાથે પ્રત્યક્ષ મુલાકાત થતા વિદ્યાર્થીઓએ  પણ આનંદની લાગણી વ્યક્ત કરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here