જિલ્લાભરના જનસેવા કેન્દ્રો રેપીડ ફરજીયાત, જનસેવા ખાતે અરજદારોના રેપીડ ટેસ્ટ ફરજીયાત, આરોગ્યની ટિમો જનસેવા કેન્દ્ર ખાતે ફરજ પર, આગામી ૧૦ દિવસ કોરોના અંગેની સાવચેતી માટે મહત્વના.

સલિમ બરફવાળા

રાજ્યભરના અનેક શહેરોમાં કોરોનાના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે.ત્યારે સિહોર સાથે ભાવનગર વહીવટી વિભાગે ગઇકાલે શહેર જિલ્લાના તમામ જનસેવા કેન્દ્રો ખાતે અરજદારોના ફરજિયાત કોરોના ટેસ્ટ કરવાનો પ્રારંભ કર્યો છે. આગામી ૧૦ દિવસ કોરોના સામેની સાવચેતી બાબતે ખૂબ મહત્વના હોય તંત્ર આ બાબતે ગંભીરતા દાખવી કોરોના સંક્રમણ પર કાબુ મેળવવા પ્રયાસો હાથ ધર્યા છે.

જિલ્લામાં સંક્રમણનો ફેલાવો અટકે તથા આ મહામારી પર સત્વરે કાબુ મેળવી શકાય તે હેતુથી જિલ્લાની તમામ પ્રાંત તેમજ મામલતદાર કચેરીઓ ખાતે આવેલ જનસેવા કેન્દ્રોમાં નિઃશુલ્ક રેપીડ એન્ટીજન ટેસ્ટની સુવિધા નો આજથી પ્રારંભ કરવામાં આવ્યો છે.હાલ તહેવારો દરમિયાન બજારોમાં ખરીદી તેમજ ભીડભાડ વાળી જગ્યાઓએ લોકોના આવગમનના કારણે લોકોનો પરસ્પર સંપર્ક વધ્યો હોય જેના કારણે અનેક શહેરોમાં કોરોનાના કેસો વધ્યા છે.

તેમજ હજુ અનેક શહેરો,ગામોમાં કોરોના સંક્રમણ વધવાની શક્યતાઓ પણ વધી છે. જેથી આવનારા ૧૦ દિવસો સાવચેતીની દ્રષ્ટિએ ખૂબ જ મહત્વપૂર્ણ હોય તેથી તમામ જનસેવા કેન્દ્રો ખાતે સ્વયંભૂ કરવામાં આવતા કોરોના ટેસ્ટ હવે ફરજિયાત કરવામાં આવ્યા છે.ઉલ્લેખનીય છે કે જનસેવા કેન્દ્રો ખાતે આસપાસના ગામડાઓમાંથી પણ બહોળી સંખ્યામાં અરજદારો આવતા હોય છે.

ત્યારે કોરોના સંક્રમિત વ્યક્તિની ઓળખ પણ ટેસ્ટ થકી સરળતાથી થઈ શકશે સાથે સાથે કોરોના સંક્રમિત વિસ્તારની પણ સરળતાથી ઓળખ થઈ શકશે.આ કારણોસર જનસેવા કેન્દ્ર ખાતે આવતા તમામ અરજદારોના ગઈકાલથી ફરજિયાત કોરોના ટેસ્ટ કરવાનો તંત્ર દ્વારા પ્રારંભ કરવામાં આવ્યો છે.સાથે સાથે સિહોર સાથે જિલ્લાના,પાલીતાણા, ગારીયાધાર, ઘોઘા, ઉમરાળા, જેસર, મહુવા, તળાજા તથા વલ્લભીપુર ખાતે આવેલા જનસેવા કેન્દ્રો માં પણ ફરજીયાત રેપીડ ટેસ્ટ શરૂ કરવામાં આવ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here