સિહોર સાથે જિલ્લામાં કમોસમી વરસાદથી ખેતપેદાશોને નુકશાન : ખેડૂતોને રડવાનો વારો

કેતન સોની
સિહોર સાથે ભાવનગર જિલ્લામાં છેલ્લા બે દિવસથી પડી રહેલા કમોસમી વરસાદ ના કારણે ખેતી પાકો ને વ્યાપક નુકશાન થવા પામ્યું છે, હવામાન વિભાગે ભારે પવન સાથે વરસાદ થવાની આગાહી કરી હતી જેના પગલે સમગ્ર જિલ્લા પંથકમાં ક્યાંક ઝરમર તો ક્યાંક ધીમીધારે વરસાદ વરસી રહ્યો છે, સતત ધુમ્મસ ભર્યા વાતાવરણ વચ્ચે વરસી રહેલા વરસાદ ના કારણે કપાસ, બાજરી, તલ, ચણા, જીરું, મગફળી અને ડુંગળી સહિતના પાકોમાં ભારે નુકશાન થવા પામ્યું છે.

અરબી સમુદ્રમાં સર્જાયેલા લો પ્રેશરથી પડી રહેલા કમોસમી વરસાદને લઈને ગુજરાતના ખેડૂતોના ઉભા પાક ને ફરી નુકશાની થઈ રહી છે.બે દિવસથી પડી રહેલા ઝરમર વરસાદ અને ભારે પવનને પગલે ભાવનગર શહેર ઉપરાંત સીદસર, ભંડારીયા, જેસર, પાલીતાણા અને ભાવનગર તાલુકામાં કેળ, જમરૂખ, સીતાફળ, દાડમ, પપૈયા અને બોર જેવા બાગાયતી પાકો તેમજ કપાસ,જુવાર અને જીરું જેવા પાકોને વ્યાપક નુકશાન પહોચ્યું છે.

જેમાં કેળ અને શેરડી ના પાક નો ભારે પવન ના કારણે શોથ વળી ગયો છે, અતિ ભારે પવન સાથે કમોસમી વરસાદ પડવાના કારણે ખેત પેદાશોમાં મોટું નુકશાન થવાની મોટી સંભાવના છે. જ્યારે હવામાન વિભાગ દ્વારા હજુ વધુ બે દિવસ વરસાદ થવાની આગાહી કરવામાં આવી છે જેના કારણે ખેડૂતોના શિયાળું પાક નિષ્ફળ જાય તેવી સંભાવના પણ વ્યક્ત કરવામાં આવી રહી છે.

જ્યારે સતત વરસાદ થવાના કારણે ખેડૂતોના જીવ તાળવે ચોંટયા છે. કુદરતે વસાવેલા કહેર સામે માનવી લાચાર બની ગયો છે, ત્યારે અમારી ટીમે જિલ્લાના ખેડૂતો સાથે વાત કરી તેમની વેદના જાણવાનો પ્રયાસ કર્યો હતો, જેમાં સરકાર તાત્કાલિક સર્વે કરાવી ને મળવા પાત્ર સહાય ચૂકવે તેવી ખેડૂતો અપેક્ષા રાખી રહ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here