સોમવારે કેટલાક પેટ્રોલ પમ્પ પર વાહનોની કતાર લાગતા તંત્ર હરકતમાં આવ્યુ, બેઠક બોલાવી ; પેટ્રોલ-ડીઝલનો જથ્થો પર્યાપ્ત માત્રામાં હોવાનો તંત્રનો દાવો : પેટ્રોલ-ડીઝલ અંગેની કોઈપણ ફરિયાદ જિલ્લા પુરવઠા અધિકારી કરી શકાશે  

હરીશ પવાર
ભાવનગર જિલ્લામાં પેટ્રોલ અને ડિઝલનો વધારાનો જથ્થો સંગ્રહ કરનાર સામે કાર્યવાહી કરાશે તેમ જિલ્લા કલેક્ટરે જણાવ્યુ હતું. કેટલાક પેટ્રોલ પમ્પ પર વાહનોની કતાર લાગતા તંત્ર હરકતમાં આવ્યુ હતું. ગઈકાલે મંગળવારે પેટ્રોલ પંપ એસો. ઓઈલ માર્કેટીંગ કંપનીના અધિકારીઓની જિલ્લા કલેક્ટરે બેઠક બોલાવી હતી. પેટ્રોલ-ડીઝલનો જથ્થો પર્યાપ્ત માત્રામાં હોવાનો તંત્રએ દાવો કર્યો છે. કેટલાક પમ્પ સંચાલકોએ ઓછી માત્રામાં પેટ્રોલ આપવાનુ શરૂ કર્યુ હતું.

ભાવનગર જિલ્લામાં પેટ્રોલ તથા ડિઝલના પુરવઠાની અછત અંગેના સમાચાર અન્વયે જિલ્લા કલેક્ટર દ્વારા ગઇકાલે પેટ્રોલ પંપ એસોસિએશન તથા ઓઈલ માર્કેટીંગ કંપનીના અધિકારીઓ સાથે બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં પેટ્રોલ-ડિઝલનો જથ્થો જળવાઈ રહે અને ગ્રાહકોને કોઈપણ પ્રકારની અગવડ ન પડે તે બાબતે કલેકટર ઉપસ્થિત અધિકારીઓને સૂચના આપી હતી. વધુમાં, આ બેઠકમાંમાં થયેલ ચર્ચા અનુસાર હાલ ભાવનગર જિલ્લામાં પેટ્રોલ-ડિઝલનો જથ્થો પર્યાપ્ત માત્રામાં છે.

જેથી આ પ્રકારના ભ્રામક સમાચારથી દૂર રહેવા કલેકટરએ જાહેર જનતાને અપીલ કરી છે. જિલ્લાના પેટ્રોલ-ડિઝલના પુરવઠાકારોને અનુરોધ કરતાં કલેકટરએ જણાવ્યું છે કે, પેટ્રોલ કે ડિઝલનો વધારાનો જથ્થો સંગ્રહ ન કરવો, અન્યથા આવશ્યક ચીજ-વસ્તુઓના કાળાબજાર થતાં અટકાવવા અને પુરવઠો જાળવી રાખવાં બાબતના અધિનિયમ-૧૯૮૦ મુજબ જિલ્લા પુરવઠા તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવશે.

જો આ બાબતે કોઈપણ ફરિયાદ હોય તો જિલ્લા પુરવઠા અધિકારી, ભાવનગરની કચેરીના ઈ-મેઈલ અથવા લેખિતમાં જાણ કરવાં કલેકટરએ વધુમાં જણાવ્યું છે. આ બેઠકમાં પેટ્રોલ પંપ એસોસિએશન તથા ઓઈલ માર્કેટીંગ કંપનીના અધિકારીઓ, નિવાસી અધિક કલેકટર, જિલ્લા પુરવઠા અધિકારી સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં. શહેરમાં કેટલાક પેટ્રોલ પમ્પ સંચાલકોએ ઓછી માત્રામાં પેટ્રોલ આપવાનુ શરૂ કર્યુ હતું. મોટર સાયકલમાં રૂ. ૧૦૦નુ અને મોટરકારમાં રૂ. પ૦૦નુ પેટ્રોલ આપવાના બોર્ડ લગાડવામાં આવ્યા હતાં.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here