તીડના આતંકના પગલે તંત્રનું રાત્રિના મેગા ઓપરેશન, સિહોર અને ગારિયાધારના કેટલાક ગામમાં તીડના ઝુંડ આવતા દવા છંટકાવ કરાયો

દેવરાજ બુધેલીયા
સિહોર સાથે જિલ્લાના વિવિધ તાલુકાઓના ગામોમાં તીડના ઝુંડના આક્રમણ થયા હોવાના અહેવાલ મળી આવેલ હતાં. જેને ધ્યાને લઇ તા.૨૪ મેના રોજ સિહોર ભાવનગર, વલભીપુર, ઉમરાળા, ગારિયાધાર તાલુકાના ગામોમાં તાલુકાની સર્વે ટીમોને સુચના આપવામાં આવેલ કે તીડ ઝુંડ પર સતત નિરીક્ષણ કરવામાં આવે તેમજ તીડના ઝુંડનું રાત્રિ રોકાણનું લોકેશન તાલુકા કક્ષાએથી એકત્રીત કરી લેવામાં આવ્યું જેમાં સિહોર તાલુકાના ભડલી અને પીપરલા ગામે દવાનો છંટકાવ કરેલ છે તેમજ ગારિયાધાર ખાતે માનગઢ, સમઢીયાળા, રૂપાવટી ખાતે ગામે તીડના ઝુંડના રાત્રિ રોકાણ થયેલ હોવાના અહેવાલ મળેલ જેને ધ્યાને લેતા તમામ લોકેશન પર ફાયર વિભાગના વાહન સ્થળ પર દવાના છંટકાવ માટે મોકલી આપવામાં આવેલ હતાં.

જિલ્લા ખેતીવાડી અધિકારી, ભાવનગર દ્વારા વિવિધ અધિકારીઓની ટીમ તૈયાર કરી સિહોર અને ગારિયાધાર તાલુકાના ગામોમાં નિયત કરેલ લોકેશન પર ક્લોરોફાયરીફોસ દવા પહોંચતી થાય તે પ્રકારનું આયોજન કરી લેવામાં આવેલ અને રાત્રિના ૧ કલાક સુધીમાં તમામ લોકેશનના ગામો પર દવા પહોંચાડવામાં આવેલ અને નક્કી કરેલ સમય પર તમામ સ્થળ પર રાત્રિના ૩ કલાકથી સવારના ૬ કલાક સુધી તીડના ઝુંડ પર દવા છંટકાવ કરવામાં આવી હતી. ગારિયાધાર તાલુકાના નિયત કરેલ ગામોના લોકેશન પર જિલ્લા ખેતીવાડી અધિકારીના આગેવાની હેઠળ દવાના છંટકાવની કામગીરી હાથ ધરવામાં આવેલ હતી.

સિહોર તાલુકાના નિયત કરેલ લોકેશન ગામોમાં નાયબ ખેતી નિયામકની આગેવાની હેઠળ રાત્રિ સમય દરમિયાન તીડના ઝુંડ પર દવાનો છંટકાવની કામગીરી પૂર્ણ કરવામાં આવી હતી. દવા છંટકાવ બાદ પાંચ કલાક પછી તીડ પર દવાની અસર પણ જોવા મળી આવેલ છે તે પ્રકારે તાલુકા કક્ષાએથી અહેવાલ મળી આવેલ છે. આ કામગીરી માટે ગામ વાઇઝ એક ફાયર ફાઇટર ફાળવવામાં આવેલ અને કુલ ૨૪ લીટર ક્લોરોફાયરીફોસ દવાનો જથ્થો વાપરી વહીવટી તંત્ર દ્વારા તીડ નાશ કરવા માટે કામગીરી હાથ ધરેલ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here