છેલ્લા 12 મહિનામાં પ્રતિ કિલોએ 17.73 રૂપિયા ભાવ વધી ગયા, રિક્ષાચાલકોના અસ્તિત્વનો પ્રશ્ન, જનતાનું કોઇએ વિચારવું નથી
હરિશ પવાર
સિહોર : સીએનજીના ભાવમાં નવા વર્ષમાં ૨.૫૦ રૂપિયાનો તોતિંગ ભાવ વધારો ઝિંકી દેવાતા રિક્ષાચાલકો સહિતના આ ગેસના વપરાશકારો ચિંતામાં મુકાઇ ગયા છે. છેલ્લા ૧૨ મહિનામાં ૧૭.૭૩ રૂપિયા સીએનજીમાં ભાવ વધારો થઇ ગયો છે સિહોર સાથે જિલ્લામાં હજારો રિક્ષાચાલકો છે કે જે રિક્ષા ચલાવીને રોજીરોટી મેળવી રહ્યા છે. ભાવ વધારાએ લોકોનું પરિવહનનું આખું બજેટ જ ખોરવી નાંખ્યું છે.
પેટ્રોલ-ડિઝલની તુલનામાં સસ્તો મનાતો સીએનજી હવે ભાવની દ્રષ્ટિએ બરોબરી કરી રહ્યો છે. ગરીબ,મધ્યમવર્ગીય પરિવારોની પહોંચમાં ગણાતું સીએનજી વાહન વસાવવું કે તેમાં મુસાફરી કરવી ગજા બહારની વાત થઇ ગઇ છે. ખાનગી કંપનીઓ ગેસ ભાવ વધાર્યે જાય છે, સરકાર મુકપ્રેક્ષક બની છે , લોકો રિતસરના લૂંટાઇ રહ્યા છે. આ સ્થિતિ સમાજમાં ભારે અસમાનતા, આક્રોશ પ્રગટાવી રહી છે. પેટ્રોલ-ડિઝલનો ભાવ સામાન્ય માણસને પોસાય તેમ નથી.
ધંધા-રોજગાર અને પરિવહન માટે સીએનજી સંચાલિત વાહનો સસ્તો વિકલ્પ બન્યા હતો કે ગરીબ અને મધ્મયવર્ગ તેને અપવાની શકે. પરંતુ જે રીતે છેલ્લા ૧૨ મહિનામાં સીએનજીના ભાવ કુદકેને ભુસકે વધ્યા તેણે લોકોનો ભ્રમ તોડી નાંખ્યો છે. સીએનજી ગેસ હવે પેટ્રોલ-ડિઝલના ભાવની બોરબરી કરવા લાગ્યા છે સિહોર સાથે જિલ્લામાં એક મોટો વર્ગ રિક્ષા ચલાવીને ગુજરાન ચલાવે છે.
બાળકોને ભણાવા -ગણાવા, પરિવારનું લાલન-પાલન કરવું , બે ટાઇમ ભોજન કરી શકાય , સમાજિક વ્યવહારો સાચવી શકાય તે તમામ જવાબદારીઓ રિક્ષાચાલકો સ્વમાનભેર રિક્ષા ચલાવીને પરસેવો પાડીને નિભાવે છે. ઇંધણના સસ્તા વિકલ્પ તરીકે સીએનજી સર્વગ્રાહ્ય બન્યા બાદ હવે તેને તબક્કાવાર મોંઘો કરી દેવાતા રિક્ષાચાલકોની રોજીરોટી કમાવવાની આખી વ્યવસ્થા પડી ભાંગી છે. ઘર,સમાજ, બાળકો પરિવારની જવાબદારી પુરી કરવાની વાત તો દુર રહી પરંતુ બે સમય ભોજનની વ્યવસ્થા કરવાના ફાંફા પડી જાય તેવી સ્થિતિ સર્જાઇ ગઇ છે.