કોરોનાનો કહેર : સિહોર સાથે જિલ્લામાં કૂદકે ને ભૂસકે વધી રહ્યા છે કોરોના કેસો, લોકોની બેદરકારી આજે વિકરાળ સ્વરૂપનો ખતરો મંડાઈ રહ્યો છે

મિલન કુવાડિયા
સિહોર અને આજુબાજુ વિસ્તારોમાં સતત કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે રોજજે એવરેજ બે ત્રણ કેસો આવી રહ્યા છે જેને લઈ લોકોમાં ફફડાટ વ્યાપ્યો છે બીજી બાજુ ભાવનગર સહિત જિલ્લામાં પણ કોરોના સંકટ વધી રહ્યું છે એક સમય હતો જ્યારે જનતા કરફ્યુને કારણે કોરોના વાયરસના સંક્રમણની સાંકળ તૂટી જશે એવી ગેરમાન્યતા લોકોમાં વ્યાપ્ત થઈ હતી. લોકડાઉન દરમિયાન બહુધા પ્રજા એ ભ્રમમાં રહી કે મહિના દિવસની અંદર કોરોના લુપ્ત થશે અને આપણે ફરી હતી એ જ જિંદગી અને એ જ ટહૂકા કરતાં થઈશુ. અને ઠગારા આશાવાદનો આ જ સિલસિલો ચાલુ રહ્યો. એક વાયરસ જિંદગી અને મૃત્યુ વચ્ચે ઝોલા ખવડાવી શકે છે અને જો ચેપ ન લાગે તો પણ એ જ વાયરસને કારણે પૈસેટકે ખુવાર થવું પડે એમ છે.

સ્થાનિક થી લઈ સમગ્ર દેશને ટકાવી રાખવા માટે ધંધો-વ્યાપાર-રોજગારના ચક્રો ગતિમાન થાય તે અનિવાર્ય હોય છે. માટે અનલોક-વનની ઘોષણા કરવી પડી પ્રજા અનલોક-ના ઘોષણાપત્રને કારણે ખુશ છે. જાણે વનવાસ જેવો ઘરમાં પુરાઈ રહેવાનો ઘરવાસ સમાપ્ત થયો. પરંતુ આ જ હવે મોટી ચિંતાનું કારણ છે. એક નિયત સમયથી વધુ કોઈ પણ સરકાર પ્રજાને બંધનોમાં ન રાખી શકે. લોકો જાહેર સ્થળો ઉપર ઉમટી પડયા છે. હેલ્મેટ ન પહેરવા માટેનો દંડ હજારોમાં હતો, માસ્ક ન પહેરવાનો દંડ ફક્ત બસ્સો રૂપિયા છે.

દંડની રકમમાં ઘટાડો ભારતની આર્થિક બેહાલી અને સરકારની લાચારી બતાવે છે. જો હિન્દુસ્તાનની પ્રજા ધ્યાન નહીં રાખે તો કોરોનાની ઝપટમાં દેશનો મોટો હિસ્સો આવી શકે છે. ફક્ત અઠવાડિયાની અંદર લાખો પોઝિટિવ કેસ થઈ શકે છે. ઇટાલીની સરકાર ઘૂંટણિયે આવી ગઈ હતી એ આપણે સૌ જાણીએ છીએ. કોરોના કોઈ પણ માણસ ઉપર હુમલો કરી શકે છે. જો સ્વયંશિસ્ત જાળવવામાં નહીં આવે તો કોરોનાના ફેલાવાની બાબતમાં હિન્દુસ્તાન ચીન, ઇટાલી અને અમેરિકા કરતા પણ વધુ મુશ્કેલીમાં આવી શકે એમ છે. હવે દેશનો આધાર પ્રજાની શિસ્ત પર છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here