સાવધાન સિહોર…! કોરોના નામના યમરાજના જિલ્લામાં ડેરા તંબુ

શંખનાદ કાર્યાલય
તાળા અને કૂંચીની વ્યાખ્યા બદલવાથી ચોર ખાતર ન પાડી શકે એવું માનવું ભૂલભરેલું છે. લોકડાઉન ફાઈવ પોઇન્ટ ઝીરોને બદલે અનલોક વર્ઝન વન અને હવે ગઈકાલથી ટુ શરૂ થયુ સરકારે મને કમને લોકડાઉનના તાળાઓ ખોલી નાખવા પડયા છે. વેન્ટીલેટર ઉપર રહેલા અર્થતંત્રનો જીવ સાવ ચાલ્યો જશે તો – એવી દહેશત સરકાર સાથે નાના મોટા ઉદ્યોગકારો અને ઉદ્યોગપતિઓને ડરાવી રહી છે. અર્થકારણ અને રાજકારણના જે આટાપાટા આ કોરોનાકાળમાં ખેલાયા તે અભૂતપૂર્વ છે. આ સમયમાં એક જ વસ્તુ અચળ રહી છે અને તે છે કોરોના વાયરસ પોતે. સરકારે લોકડાઉન ખોલવું પડયું છે, એનો અર્થ એ નથી કે કોરોના વાયરસ નિરુપદ્રવી બની ગયો.

કોવીડ નાઇન્ટિન પાસે પ્રસરવા માટે તો મોકળુ મેદાન મળ્યું. ગામડા તો પહેલેથી ખુલ્લા હતા, હવે તો શહેરો પણ ખુલી ગયા છે. રસ્તા ઉપર ફરીથી ટ્રાફિક અને હોર્નનો અવાજ શરૂ થઈ ગયો છે. આ બહુ જોખમી સમય છે. કોરોનાના કહેર વચ્ચે સરકાર દ્વારા લોકડાઉન પછી અનલોક ૧ અને ગઈકાલથી અનલોક ૨ કરવામાં આવ્યું છે સરકાર દ્વારા મોટાભાગની છૂટછાટો આપવામાં આવી છે પરંતુ જે રીતે ભાવનગર જીલ્લામાં અને ગ્રામ્ય વિસ્તારમાં કેસો વધ્યા છે એ બાબત ચિંતાજનક છે અને જે રીતે આંકડા વધી રહ્યા છે તે જોતા હવે લોકોએ સાવધાન થવાની જરૂર છે. જિલ્લાની પ્રજાએ એમ સમજી જ લેવું જોઈએ કે તે અત્યારે જ્વાળામુખીના મુખ પર બેઠું છે.

જો નાગરિકો સ્વયંશિસ્ત રાખીને કોરોના નિયમોનું પાલન કરશે તો જ બચી શકશે. દુનિયાના બીજા દેશોની સરકાર તેમના પોતાના અનુભવે એમ કહેતી આવી છે કે મૃત્યુ આંક ઊંચો ગયા વિના લોકોને લોકડાઉન કે અનલોકની વ્યાખ્યા સમજાય નહિ. તકલીફ એ છે કે નિયમોનું પાલન કરવામાં બહુ મોડું થાય તો કોરોનાનો આંક એટલી ઊંચાઈએ પહોંચી જાય કે પછી સરકાર કે પ્રજા ગમે તેમ કરે, એનો વધતો ગ્રાફ નીચે આવતો નથી. જિલ્લામાં જે રીતે કોરોના કેસ વધી રહ્યા છે તે જોતાં આવતા દિવસોમાં શુ સ્થિતિ હશે તેની કલ્પના પણ કંપારી દે છે એટલે કે આવતીકાલનો સૂરજ કેવો ઉગશે એની કલ્પના કરવાની રહે છે.

કોરોનાથી હજુ વધુ ડરવાની જરૂર છે કારણ કે આ ડર જ સંજીવની વિદ્યા છે. બીજી બાજુ સ્વયં શિસ્તથી કોરોના નામના યમરાજને સમજશો નહિ અને સમજીને એ પ્રમાણે વર્તન નહીં કરે તો મિલાન અને ન્યૂયોર્કમાં સરકાર રાશન આપવા સામેથી આવે છે તે લેવા માટે પણ કોઈ દરવાજો ખોલવા તૈયાર નથી એ પરિસ્થિતિ આવશે. સરકાર પ્રજા સાથે કામ લેવાની કેટલીક મર્યાદાઓ છે, એ મર્યાદા પણ બુદ્ધિજીવીઓ સમજતા નથી. હવે પ્રજા આત્મસંયમ નહીં દાખવે તો જે પરિસ્થિતિ ઊભી થવાની છે, તે સૌ માટે ચિંતાજનક છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here