લોકજીવનમાં ઘડાઈ ગયેલા મોળાકતના તહેવારનું સામાજિક દ્રષ્ટિએ પણ અનન્ય મહત્વ

બ્રિજેશ ગોસ્વામી
તા.૨૦ જુલાઈને મંગળવારે દેવશયની કે દેવપોઢી એકાદશીના પ્રારંભ સાથે ચાતુર્માસનો પ્રારંભ થશે. આ ચાતુર્માસના પ્રારંભે કુમારિકાઓના પાંચ દિવસના મોળા વ્રતનો શુભારંભ થશે.મનગમતા ભરથારની આશાએ શિવપાર્વતીની કૃપાદ્રષ્ટિ મેળવવા બાળાઓ આ વ્રત કરતી હોય છે.હિન્દુ ધર્મના દરેક તહેવારો ધાર્મિકતાની સાથોસાથ સામાજિક અને વ્યકિતગત વિકાસ સાથે પણ સંકળાયેલા છે. અને દરેક રીતરિવાજનો એકમેવ હેતુ મનુષ્યને તેના ઉદગમ એવી ઈશ્વરીય ચેતના સાથે સાંકળવાનો છે. અષાઢ સુદ તેરસથી અષાઢ વદ બીજ સુધી પરંપરાગત રીતે ગૌરી વ્રતની ઉજવણી કરવામાં આવશે. શિવપુરાણની કથા સાથે સંકળાયેલ આ વ્રતની પરંપરા વૈદિક કાળથી શરૂ થયેલી છે. લોકજીવનમાં ઘડાઈ ગયેલા આ તહેવારનું સામાજિક દ્રષ્ટિએ પણ અનન્ય મહત્વ છે.

આરોગ્ય અને સૌભાગ્યની પ્રાપ્તિ કરાવતા આ વ્રતમાં નિમક ખાવાની મનાઈ હોય બાળાઓ,કુમારિકાઓ પાંચ દિવસ મોળુ ભોજન (એકટાણુ) કરશેે.ગૌરી વ્રત માટે એક નાનકડા પાત્રમાં જવારા નાખીને તેને ઉગાડવાની પરંપરા વર્ષોથી ચાલી આવે છે. જે કુદરત,અન્નને દેવ તરીકે પૂજવાની સમજણ આપે છે. જવારા માતા પાર્વતીનું પ્રતિક છે,રૂની પુણીને કંકુ વડે રંગીને ગાંઠો વાળીને નાગલા બનાવાય છે. આ નાગલા શિવજીનું પ્રતિક હોય છે. બાળાઓ દ્વારા પ્રથમ દિવસે સમવયસ્ક બાળાઓ અને સખીઓ સાથે શિવમંદિરે સામુહિક પૂજાવિધિ કરાય છે. આ વ્રત દરમિયાન બાળાઓ શિવપાર્વતીની પૂજા કરે છે. પાંચ દિવસીય વ્રત રાખીને બાળાઓ અંતિમ દિવસે જાણરણ ઉજવશે. ત્યારબાદ છઠ્ઠા દિવસે ગારમાના જવારાનું સ્થાનિક જળાશયોમાં વિધિવત વિસર્જીત કરવાનો મહિમા છે.

બોક્સ..

હવે જવારા રેડીમેડ મળતા થયા છે.

આ વ્રતમાં અષાઢી હરિયાળીને અનુરુપ જવારાનું પૂજન કરાય છે.ગોહિલવાડમાં અગાઉના વખતમાં ગૌરી વ્રતના તહેવાર અગાઉ માતાઓ  દ્વારા જાતે જ ઘેર રામપાત્રમાં જવારા ઉગાડવામાં આવતા હતા પકાવેલા રામપાત્રમાં ભીની માટીમાં ઘંઉ, જઉ, તલ,મગ,તુવેર,ચોળા અને અક્ષત વાવીને જવારા ઉગાડાય છે. જયારે હવે તો અન્ય મહાનગરોની જેમ ગોહિલવાડમાં પણ કેટલાક વેચાણકેન્દ્રોમાં તૈયાર વાવેલા જવારા સરળતાથી ઉપલબ્ધ થઈ જાય છે. કેટલીક સેવાભાવી સંસ્થાઓ કે મહિલા મંડળો દ્વારા બાળાઓ માટે વિનામૂલ્યે જવારાની પણ વ્યવસ્થા કરાતી હોય છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here