CGST દ્વારા સિહોરના ઘાંઘળી અને મામસા નજીક ચેકિંગ કરી અને ઇ-વે બિલ વિના માલ પરિવહન કરતા બે ટ્રક સામે કાર્યવાહી થઇ

બ્રિજેશ ગોસ્વામી
ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (જીએસટી) સંબંધિત ગેરરીતિઓ અંગે ખરડાયેલા ભાવનગરમાં હવે માલ પરિવહન ક્ષેત્રે થઇ રહેલી ગેરરીતિઓ સામે પણ જીએસટી સંબંધિત તમામ તંત્રે લાલ આંખ કરી છે તાજેતરમાં સ્ટેટ જીએસટીના અન્વેષણ અને મોબાઇલ સ્ક્વોડ દ્વારા મોટા ટ્રાન્સપોર્ટરોના 11 ટ્રકનું ચેકિંગ કરી અને ગેરરીતિ પકડી હતી. સીજીએસટી તંત્ર દ્વારા પણ સમગ્ર જિલ્લામાં ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે, અને ચેકિંગ દરમિયાન સિહોરના ઘાંઘળી અને મામસા નજીકથી સળીયા ભરીને જઇ રહેલા બે ટ્રકને શંકાના આધારે અટકાવી અને સઘન પુછપરછ કરતા તેઓની પાસેથી કોઇપણ પ્રકારના ઇ-વે બિલ કે અન્ય માલ પરિવહનના દસ્તાવેજ મળી આવ્યા ન હતા.

તેથી આ બંને ટ્રકની સામે કાયદેસરની કાર્યવાહી કરી અને 10 લાખ રૂપિયાનો ટેક્સ અને પેનલ્ટી વસુલવામાં આવી હતી. ભાવનગર જિલ્લામાં અલંગ શિપ રીસાયકલિંગ યાર્ડમાંથી નિકળતા લોખંડના સ્ક્રેપમાંથી રી-રોલિંગ મિલમાં સળીયા બનાવવામાં આવે છે. અત્યાર સુધીમાં મોટાભાગના બોગસ બિલિંગના કેસમાં સ્ક્રેપ અને મેટલના વ્યવહારો થતા હોવાનું સપાટી પર આવ્યુ છે, તેથી હવે બોગસ બિલિંગ, ખોટી વેરાશાખ ઉપરાંત ઇ-વે બિલ વિના માલ પરિવહન કરી રહેલા વાહનોની સામે કાર્યવાહી કરવાનું પણ તંત્ર દ્વારા શરૂ કરવામાં આવ્યુ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here