કોઇ પણ આફત આવે ત્યારે સૌથી પહેલો માર ગરીબોને પડતો હોય છે અને કોરોના મહામારી પણ એમાં અપવાદ નથી, કોરોનાના કારણે ગરીબો વધારે ગરીબ બની રહ્યાં છે અને ભૂખમરા અને કુપોષણની સમસ્યા વધારે વકરી રહી છે


સલીમ બરફવાળા
કોરોના મહામારીની અસર દરેક તબક્કા પર પડી છે પરંતુ કોરોનાનો સૌથી વધારે માર ગરીબ બાળકોને પડયો છે. કોરોના સંકટના કારણે લાખ્ખો લોકો ગરીબીમાં ધકેલાઇ ગયા છે. આમ પણ કોરોના મહામારી સિવાય પણ ગરીબોને બે છેડા ભેગા કરવા માટે ભારે મથામણ કરવી પડતી હોય છે. કોરોના મહામારીના કારણે દુનિયામાં ભૂખમરાની સ્થિતિ અત્યંત ચિંતાજનક બની રહી છે. લૉકડાઉનના કારણે લાખો લોકોએ રોજગાર ગુમાવ્યો છે અને એની સીધી અસર બજાર પર પડવી નક્કી છે.અને કોરોનાના કારણે લાગુ કરવામાં આવેલા લૉકડાઉનના કારણે દેશમાં આશરે લાખ્ખો લોકોએ નોકરી ગુમાવી છે. લોકોની આવક જ નહીં હોય તો વસ્તુઓ અને સેવાઓની ખરીદીમાં પણ મંદી આવશે. જેના કારણે અર્થવ્યવસ્થાની મંદી ઓર વકરશે. અર્થવ્યવસ્થાની મંદી ઉપરાંત લોકોને પોતાના ઉદ્યોગધંધા ઠપ્પ થઇ જવાનો ડર સતાવી રહ્યો છે. કોરોના મહામારી અને લૉકડાઉનના કારણે દેશમાં બેરોજગારીની સ્થિતિ દિવસે ને દિવસે વકરી રહી છે.

કોરોના વાઇરસની મહામારી અને લૉકડાઉનના કારણે શ્રમજીવીઓ પોતાના વતન તરફ પાછા ફરવા લાગ્યા હતા અને બેરોજગારીનું સંકટ ગંભીર બની ગયું હતું શ્રમબજાર અને આર્થિક સંકટ પણ બની ગયું છે. કોરોના વાઇરસના પ્રકોપના કારણે ઊભી થયેલી બેરોજગારીની પરિસ્થિતિને પહોંચી વળવા સરકારે સત્વરે પગલા લેવાની આવશ્યકતા છે. કોલસા, વીજળી, લોખંડ, ઉર્જા જેવા મોટા ક્ષેત્રોમાં પણ ઉત્પાદન ઠપ્પ છે. કારખાના બંધ થઇ જવાના કારણે નિર્માણ ઠપ્પ છે જેના કારણે વીજળીની માંગમાં ભારે ઘટાડો નોંધાયો છે. પર્યટન, હોટલ, રેસ્ટોરન્ટ અને મનોરંજન જેવા ક્ષેત્રો બંધ પડી ગયાં છે. પર્યટન ઉદ્યોગથી મોટી આવક થાય છે. પર્યટકોના ધસારાના કારણે અનેક લોકોને રોજી મળે છે પરંતુ પર્યટકો ન હોવાના કારણે અનેક લોકો પાસે કામ નથી. પર્યટન સાથે જોડાયેલા હોટલ અને રેસ્ટોરન્ટ ઉદ્યોગો પણ ખાડે ગયા છે.

કોરોનાના કારણે સપ્લાઇ પર સૌથી માઠી અસર થઇ છે. આવશ્યક ચીજવસ્તુઓની કેટેગરીમાં ન આવતા ઉત્પાદનોનું વિતરણ સાવ ઠપ્પ થઇ જવાના કારણે અનેક ઉદ્યોગોને માઠી અસર થઇ છે. લૉકડાઉન ક્રમશઃ પૂરું થયા બાદ વેચાણમાં વધારો થઇ રહ્યો છે પરંતુ માંગ અને પૂરવઠાના સ્તરને પહેલાં જેવો થવામાં મહિનાઓ નીકળી જશે. કોરોના વાઇરસનો ફટકો દેશની અર્થવ્યવસ્થા માટે અત્યંત ગંભીર સાબિત થઇ રહ્યો છે. જોકે વાઇરસની ચપેટમાં દુનિયાના ઘણાં ખરાં દેશો આવી ગયા છે. પરંતુ ભારતની વિશાળ વસતી અને આર્થિક સ્થિતિને જોતાં લૉકડાઉન અર્થવ્યવસ્થા માટે નુકસાનકારી સાબિત થયું છે.કોરોનાની બીમારી ક્યારે વિદાય લેશે એ તો નક્કી નથી પરંતુ મહામારીના કારણે ગરીબી, ભૂખમરો અને બેરોજગારીની સમસ્યાઓ વિકરાળ રૂપ ધારણ કરી રહી છે અને જો સમયસર પગલા લેવામાં ન આવ્યાં તો કોરોના કરતા આ સમસ્યાઓ વધારે જીવલેણ નીવડશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here