અસહ્ય ભાવવધારો છતાં સરકારનું મૌન, વિપક્ષ સુસ્ત અને લોકો લાચાર, મગફળીના મબલખ પાક છતાં સીઝનમાં પણ ઉંચા ભાવ માટે કાર્ટેલની શંકા 

પહેલા ક્રૂડમાં આંતરરાષ્ટ્રીય ભાવઘટાડાનો લાભ લોકોને નહીં, હવે તેલમાં મબલખ પાકનો લાભ લોકોને નહીં મળે 

મિલન કુવાડિયા
મગફળી અને સિંગતેલના સૌથી મોટા ઉત્પાદક રાજ્યમાં સિંગતેલના ભાવમાં સરકારની ઉદાસીનતા વચ્ચે બેફામ અને નિરંકુશ ભાવવધારો લોકોનું ગુજરાન વધુ મૂશ્કેલ બનાવી રહ્યું છે. મગફળીની સીઝનનો પ્રારંભ છે, ટનબંધ મગફળી યાર્ડમાં ઠલવાય છે અને તેલમિલો ધમધમે છે છતાં આ સમયમાં અસહ્ય ભાવો વધી રહ્યા છે સિંગતેલની સાથે ગુજરાતમાં જેનો મબલખ પાક સતત બીજા વર્ષે થયો છે તે કપાસિયા તેલ પણ મોંઘુ થયું છે.  ગત પાંચેક મહિનાથી આંતરરાષ્ટ્રીય સ્તરે ક્રૂડના ભાવમાં મોટો ઘટાડો થયો છતાં તેનો લાભ લોકોને ન મળે તે રીતે કેન્દ્રએ તેના પર વધુ ટેક્સ વધારી દેતા આજેય પેટ્રોલ-ડીઝલ મોંઘા મળી રહ્યા છે. આંતરરાષ્ટ્રીય બજારનો લાભ લોકો સુધી ન પહોંચવા દીધો તો મગફળીમાં સ્થાનિક ઉત્પાદન વધારો, મેઘરાજાની મહેરનો લાભ સિંગતેલમાં લોકોને મળતો નથી.

માત્ર સિંગતેલ જ નહીં, મગફળીના દાણા પણ મોંઘા થયા છે અને તેના પગલે ખારી સિંગ પણ મોંઘી થઈ છે. આ ભાવવધારો માંગ અને પૂરવઠાના નિયમને બદલે લોકોને ખંખેરીને ખિસ્સા છલકાવવાનો કારસો હોય તેવી ગંધ આવી રહી છે. સિંગતેલના ભાવ સામાન્ય રીતે જ્યારે બજારમાં માલની પૂષ્કળ આવક થતી હોય ત્યારે નીચા હોય તેના બદલે સીઝનમાં આરંભે જ મોંઘા છે. જેની પાછળ લોકોની લાચારીનો લાભ ઉઠાવીને કાર્ટેલ કરીને ભાવ ઉંચા રખાતા હોવાની શંકા પણ આમ નાગરિકમાં જાગી છે. સ્વપ્રશંસામાં રાચતા નેતાઓ પ્રજાને રોજેરોજ પીડા આપતા આ મોંઘવારીના પ્રશ્ને મૌન છે. શાસકો કોઈ રાહતની ખાત્રી આપતા નથી કે ભાવ ઘટે તેવા પગલા લેતા નથી તો વિપક્ષ લોકોની આ સમસ્યાને પૂરી તાકાતથી વાચા આપવામાં નિષ્ફળ ગયો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here