કોરોનાની મહામારીમાં ગરબા ભલે નહીં થાય પરંતુ આરાધના તો થશે..


દેવરાજ બુધેલીયા
કોરોનાની મહામારી વચ્ચે આવી રહેલાં નવરાત્રી પર્વમાં આ વર્ષે માતાજીના ગરબાને ગ્રહણ લાગ્યું છે પરંતુ ભક્તો નવ-નવ દિવસ સુધી ભક્તિમાં લીન થઇને સેવા પુજા કરશે ત્યારે પર્વમાં પુજા અર્ચનાની વિવિધ સામગ્રીનું પણ મહત્વ વધી જતું હોય છે તેની ખરીદી કરવામાં આવતી હોય છે ત્યારે સિહોર શહેરમાં આવેલાં પુજાપાની દુકાનોમાં ભાવિક ભક્તો ઉત્સાહભેર પુજા સામગ્રીની ચીજવસ્તુની ખરીદી પણ કરી રહ્યાં છે. માતાજીની ચુંદડી તથા પુજા થાળી, દિવી સહિત અલગ અલગ પ્રકારના ધુપ અને હાર વેપારીઓએ વેચાણ અર્થે મુક્યાં છે. આમ કોરોના કાળમાં આ વર્ષે સાદગીપુર્ણ રીતે ભક્તો નવરાત્રીના પર્વમાં માતાજીની પુજા-આરતી કરીને આરાધના કરશે.

કોરોનાના કપરાકાળમાં દરેક તહેવારોને ગ્રહણ લાગ્યું છે ત્યારે ગુજરાતીઓના સૌથી પ્રિય એવા નવરાત્રી મહોત્સવનો શનિવારથી પ્રારંભ થઇ રહ્યો છે. નવ દિવસ સુધી માતાજીની આરાધના કરવાની સાથે સાથે ગરબે ગાઇને ભક્તો આ ઉત્સવ ઉત્સાહભેર ઉજવણી કરે છે. આ વર્ષે કોરોનાની મહામારી ચાલી રહી છે ત્યારે વધુ માણસો એકઠા થાય તો સંક્રમણ ફેલાવાનો ભય પણ સતાવી રહ્યો છે ત્યારે સરકાર દ્વારા આ તહેવારને અનુરૂપ ગાઇડલાઇન પણ બહાર પાડવામાં આવી છે. જાહેર ગરબાને બંધ રાખવાનો નિર્ણય કરાયો છે. તો બીજી તરફ માતાજીની સ્થાપના કરીને પુજા-આરતી નિયમોનું પાલન કરીને કરવાની છુટછાટ આપવામાં આવી છે. આમ નવરાત્રીના પર્વને કોરોનાનું ગ્રહણ લાગ્યું હોય તેમ આ વર્ષે રાસ-ગરબાની રમઝટ વગર ભક્તોએ આ પર્વ ઉજવવું પડશે.

તો માતાજીની આરાધના થઇ શકે તે માટે પુજા – આરતી સાથે ભક્તો સાદગીપુર્ણ રીતે ભક્તિમાં લીન થશે. પુજા અર્ચના કરવા માટે જે વિવિધ સામગ્રીનો ઉપયોગ થતો હોય છે તેનાં વેચાણમાં પણ વધારો નોંધાયો હોય તેમ હાલમાં સિહોર શહેરમાં આવેલી પુજાપાની દુકાનોમાં ભક્તોની ભીડ પણ જોવા મળી રહી છે. નવ-નવ દિવસ સુધી આરતી અને પુજા થઇ શકે તે પ્રકારની સામગ્રી પણ નગરજનો ઉત્સાહભેર ખરીદી કરી રહ્યાં છે. વેપારીઓ દ્વારા પણ અવનવી ડિઝાઇનની દિવી, હાર, ચુંદડી સહિત અલગ અલગ સુગંધના ધુપ અને પુજા ડીસની વેરાયટીઓ પણ વેચાણ અર્થે મુકવામાં આવી છે. આ વખતે ગરબાને છુટ આપવામાં આવી નથી ત્યારે નવરાત્રીના પર્વમાં ભક્તો પણ નવ-નવ દિવસ સુધી માતાજીની સેવા-પુજા તથા ભક્તિમાં જ લીન રહીને ધન્યતા પ્રાપ્ત કરશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here