જૂના સમયમાં ગામડાની જેમ લોક ડાઉનમાં ઘરે હેર ડ્રેસરને બોલાવવાનો ટ્રેન્ડ સિહોરમાં ફરી શરૂ

સલીમ બરફવાળા
કોરોના વાઈરસને લઈને સિહોરમાં લોકડાઉનના આજે ૧૯મો દિવસ છે. આ દિવસો દરમિયાન સિહોરના મોટાભાગના વિસ્તારોમાં હેર સલૂન સદંતર બંધ કરવામાં આવ્યા છે જેના પગલે લોકડાઉનમાં ઘરમાં પુરાઈ રહેલા જે લોકો ઘરે શેવિંગ નથી કરતા તેમના માટે ચૈત્ર મહિનામાં જ શ્રાવણ મહિનો પાળ્યો હોય તેમ દાઢી -વાળ વધીને લાબા થઈ ગયા છે.

લોકડાઉન કામ ધંધા બંધ હોવાના કારણે લોકોએ સોશિયલ મીડિયામાં બાલ વધી ગયા હોય તેવો ફોટો મુકવાની પણ પરસ્પર ચેલેન્જ આપવાનું શરૂ કર્યું છે. તો બીજી તરફ લોકડાઉનના કારણે સિહોરના હેર સલૂનના ધંધા સાથે સંકળાયેલા અનેક કારીગરોની રોજિંદી આવક પર પણ કોરોના એ કાતર ફેરવી દીધી છે. જેથી લોકડાઉનના હજુ વધુ લંબાય તેવી સંભાવના જોઈને સિહોરના કેટલાક વિસ્તારોમાં રહેતા લોકોએ હેર ડ્રેસરને ઘરે જ બોલાવીને સામૂહિક રીતે વાળ તથા દાઢી કરાવવાનું શરૂ કર્યું છે.

અમુક સોસાયટીઓમાં વાહન પાર્કિંગની જગ્યામાં જ ઘર નજીક સલૂન ધરાવતા એડ્રેસ અને બોલાવીને હેર કટીંગ તથા શેવિંગ કરવાનું પણ વધી રહ્યું છે. અત્રે નોંધનીય છે કે હેર સલૂન બંધ થવાના કારણે હેર કટીંગના ધંધા સાથે સંકળાયેલા લોકોએ જે મળે તે રોજગારી અને ગ્રાહકને સાચવવા હોમ સર્વિસ પૂરી પાડવાનું નક્કી કર્યું છે. અત્રે નોંધનીય છે કે વર્ષો અગાઉ ગામડાઓમાં ઘરે દરજી કે વાળંદને બોલાવીને એકી સાથે કુટુંબના સભ્યોના કપડા કે બાલ દાઢી કરવાનો રિવાજ હતો. જે હાલમાં કોરોના વાઈરસના લોકડાઉનના કારણે શહેરોમાં ફરી જીવંત થવા પામી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here