આત્મ નિરિક્ષણ કરાવનારા મહાપર્વને વધાવવાનો જૈન સમાજમાં અનેરો ઉલ્લાસ : પર્યુષણ પર્વનો પ્રારંભઃ જિનાલયોમાં રોશનીનો શણગાર, સુશોભનઃ પરમાત્માને ભવ્ય આંગીઃ પૂ. ગુરૂભગવંતોના પ્રેરક પ્રવચનઃ સમગ્ર જૈન સમાજમાં ધર્મોલ્લાસ


મિલન કુવાડિયા
તપ વડે મનશુધ્ધી તથા કાર્ય શુધ્ધીનું મહાપર્વ પર્વાધિરાજ પર્યુષણનો દેરાવાસી જૈનોમાં આજથી પ્રારંભ થયો છે. આઠ-આઠ દિવસ સુધી ઉપાશ્રયોમાં પૂ. ગુરૂ ભગવંતોના કલ્યાણકારી પ્રવચનો તથા ધાર્મિક અનુષ્ઠાનો કોરોના ગાઇડ લાઇન મુજબ યોજાશે. મહાપર્વના આઠ દિવસ જૈન સમાજમાં તપ અને ત્યાગનો મહિમા ગવાશે સિહોર સહિત સમગ્ર જિલ્લામાં પર્વાધિરાજ પર્યુષણ પર્વની આરાધના જૈન સમાજ અનેરા ધર્મોલ્લાસ સાથે કરી આત્માને નિર્મળ બનાવવા પ્રયાસ કરશે. તા. ૭ ના રોજ કલ્પસૂત્ર વાંચન દરમિયાન ભગવાન મહાવિરના જન્મનું વાંચન થશે તથા પૂ. ગુરૂ ભગવંતોની નિક્ષામાં માતા ત્રિશલાદેવીને આવેલ ૧૪ સ્વપ્નાઓ અનેરા ધર્મોલ્લાસ સાથે ઉતારવામાં આવશે.

દરેક સ્વપ્નાની ઉછામણી-બોલી બોલવામાં આવે છે. વીર પ્રભુના પારણાની ઉછામણી બાદ લાભાર્થી પરિવારને આંગણે વાજતે-ગાજતે વીર પ્રભુનું પારણું લઇ જવાશે જિનાલયોને રોશની અને કમાન, તોરણથી સુશોભીત કરાયા છે. આજે પ્રથમ દિવસથી ધર્મભકિતનો માહોલ સર્જાયો છે. ધર્મ સ્થાનકોમાં પૂજ્ય ગુરૂભગવંતોના પ્રવચન-વ્યાખ્યાન, દેરાસરોમાં પ્રભુજીને નયન રમ્ય અંગરચના કરવામાં આવશે. શ્રાવક-શ્રાવીકાઓ આઠેય દિવસ શીન વસ્ત્રો પહેરી ધર્માનુષ્ઠાનમાં ભાગ લેશે આજથી શરૂ થયેલ મહાપર્વ પર્યુષણમાં જૈન સમાજમાં નાની-મોટી તપર્શ્ચયા પણ ભાવિકો દ્વારા કરવામાં આવી રહી છે. પર્વાધિરાજના આગમનથી તપ, ત્યાગ, અને આરાધનાનો માહોલ સર્જાયો છે. જૈનો મહાવીરમય બન્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here