મોડીરાત્રીના સમયે ૪ અજાણ્યા શખસે ચોરી કર્યાની ફરિયાદ, વૃધ્ધ જે રૂમમાં સુતા હતા તેમાં જ ચોરી થઈ, ડરના માર્યા વૃધ્ધ સુતા રહ્યા, તસ્કરો રોકડ રકમ, મોબાઈલની સાથે ૩ કિલો ઘી પણ લેતા ગયા 

હરિશ પવાર
સિહોર તાલુકાના પીપળીયા ગામેના એક રહેણાંકી મકાનમાં મોડીરાત્રીના સમયે તસ્કરો ત્રાટકયા હતા અને રોકડ રકમ સહિતનો મુદ્દામાલની ચોરી કરી ફરાર થઈ ગયા હતાં. વૃધ્ધ જે રૂમમાં સુતા હતા તેમાં જ ચોરી થઈ હતી પરંતુ ડરના માર્યા વૃધ્ધ સુતા રહ્યા હતા અને તસ્કરો ગયા બાદ તેઓએ પાડોશીને જાણ કરી હતી. આ બાબતે ચાર અજાણ્યા શખસો સામે ફરિયાદ નોંધાઈ છે. તસ્કરો ૩ કિલો ઘી પણ લેતા ગયા હતાં.

પોલીસ પાસેથી મળતી વિગતો અનુસાર, સિહોર તાલુકાના પીપળીયા ગામે રહેતા મુળજીભાઈ ગીગાભાઈ મોરડીયા (ઉ.૬૯)એ સિહોર પોલીસ મથકમાં એવા મતલબની ફરિયાદ નોંધાવી છે કે, ગઈકાલે મોડીરાત્રીના ર.૩૦ કલાકે તેઓ ઘરે એકલા સુતા હતા ત્યારે તસ્કરો ત્રાટકયા હતાં.

મકાનની દીવાલ કુદી મકાનની અંદર પ્રવેશ કર્યો હતો. મકાનના રૂમમાં કબાટમાં રાખેલ રોકડ રકમ, ૩ કિલોગ્રામ ઘી, મોબાઈલ વગેરે મળી કુલ રૂ. ૪૭ હજારની ચોરી કરી ફરાર થઈ ગયા હતાં. કબાટ ખોલતા વૃધ્ધ જાગી ગયા હતા પરંતુ ચાર તસ્કરો હોવાથી ડરના માર્યા વૃધ્ધ સુતા રહ્યા હતાં.

તસ્કરો ફરાર થઈ ગયા બાદ વૃધ્ધ જાગ્યા હતા અને ચોરી થયાની જાણ તેઓએ પાડોશીને કરી હતી. ચોરી થયાની જાણ થતા સવારે ગ્રામજનો દોડી આવ્યા હતાં. આ બનાવની જાણ થતા પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી અને તપાસ હાથ ધરી હતી. આ બાબતે વૃધ્ધે ચાર અજાણ્યા શખસ સામે ચોરીની ફરિયાદ નોંધાવી છે તેથી તસ્કરોને પકડવા પોલીસે ચક્રોગતીમાન કર્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here